ગાંધીધામમાં બંધ ઘરમાંથી 4.48 લાખની તસ્કરી !

ગાંધીધામ, તા. 23 : શહેરના ગોપાલપુરીમાં આવેલા એક બંધ મકાનમાંથી તસ્કરોએ ખાતર પાડયું હતું. આ બંધ મકાનનાં તાળાં ચાવી વડે ખોલી તેમાંથી રોકડ રકમ અને સોનાના દાગીના એમ કુલ રૂા. 4,48,500ની મતાની તફડંચી થઇ હતી. ધોળા દિવસે થયેલી ચોરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. શહેરના ગોપાલપુરી વિસ્તાર જ્યાં પૂર્વ કચ્છ પોલીસવડા, ડી.પી.ટી.ના ચેરમેન તથા ધારાસભ્ય રહે છે તેવા રહેણાંક વિસ્તારમાં ધોળા દિવસે ચોરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. બાઉન્ડ્રી બંધ આ વિસ્તારના મુખ્ય દરવાજા ઉપર સુરક્ષાકર્મીઓ પણ તૈનાત રહેતા હોય છે.પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના ઇ-42માં રહેતા અને ડી.પી.ટી.ના ઇજનેરી વિભાગમાં ફરજ બજાવતા કિરણ હિંમતલાલ ગઢવીનાં બંધ મકાનને તસ્કરોએ હડફેટમાં લીધું હતું. આ ફરિયાદી યુવાન ગત તા.19/7ના સવારના ભાગે પોતાના પરિવાર સાથે ભારતનગર બાજુ માતાજીની પૂજાના કાર્યક્રમમાં ગયા હતા. આ પરિવાર કાર્યક્રમમાં હાજરી આપી બપોરે પરત આવતાં તેમનાં ઘરમાંથી ચોરી થઇ ગઇ?હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યક્રમમાં જતાં પહેલાં તેમણે પોતાનાં મકાનના મુખ્ય દરવાજાની ચાવી એક જગ્યાએ સંતાડી રાખી હતી. આ ગુપ્ત જગ્યામાંથી ચાવી સેરવી તસ્કરોએ તાળાં ખોલ્યાં હતાં અને અંદર કબાટની ચાવી જ્યાં રાખવામાં આવી હતી તે પણ ઉપાડી લીધી હતી. આ ચાવીથી કબાટ ખોલી, તેના લોકર ખોલી તેમાંથી રોકડા રૂા. 1,41,000 તથા રૂા. 3,07,500ના સોનાના દાગીના એમ કુલ રૂા. 4,48,500ની મતાની ચોરી કરી નાસી ગયા હતા.ચોરીના આ બનાવમાં કોઇ જાણભેદુ હોવાની શંકાના આધારે પોલીસે એફ.એસ.એલ., ડોગ સ્ક્વોડની મદદથી આગળની તપાસ હાથ?ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer