`આપ'' લોકોને લાઈનો નહીં ઘેર બેઠા સેવા આપશે !

`આપ'' લોકોને લાઈનો નહીં ઘેર બેઠા સેવા આપશે !
કરશન ગઢવી દ્વારા -   મોટા ભાડિયા (તા. માંડવી), તા. 23 : ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટીના ગુજરાતના વડા ઈશુદાનભાઈ ગઢવી સાથે થયેલી વાતચીતમાં કચ્છની પીડા અંગે સરકાર પર પ્રહાર કર્યા હતા. જનસંવેદના મુલાકાત સંદર્ભે કચ્છમાં આવેલા ઈશુદાનભાઈએ પત્રકારત્વ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાવાના કારણો અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે, કોરોનાની નરી આંખે જોયેલી જનતાની પીડા, મેડિકલ સાધનોની અછતથી અનુભવયાલી વ્યથા અને કેટલાક નજીકના સ્વજનોને સારવારના અભાવે કોરોના ભરખી ગયો અને વિપક્ષની નબળી અને નામશેષ થતી કામગીરી જોઈ પાર્ટીના માધ્યમથી જનતાની સારી સેવા થઈ શકે તેમજ રાજકીય ક્ષેત્રે વર્તમાન ઉપલબ્ધ સિસ્ટમને ધરમૂળથી બદલવા અને રાજકીય ક્ષેત્રે શુદ્ધતા લાવવા જેવા કારણો તેમણે આગળ ધર્યા હતા. ગુજરાતની સળગતી સમસ્યાઓ કઈ કઈ છે ? એ વિશે તમે શું કહેવા માગો છો ? તેવા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, જગતના તાતની પરેશાની મુખ્ય મુદ્દો છે. ખેડૂતને વાવેતરથી કરીને વેપાર સુધી ભોગવવી પડતી મુશ્કેલીઓ અપાર છે. મોંઘવારીએ મધ્યમ વર્ગને બાનમાં લીધો છે. પેટ્રોલના ભાવ અંગ દઝાડે છે. તંત્ર પાસે દવાખાના છે પણ ડોક્ટરો નથી. શિક્ષણ ફીનો મુદ્દો ઘરના આર્થિક બજેટને વેરવિખેર કરી નાખે છે. ખાનગી સ્કૂલોનો ફાટેલો રાફડો વાલીઓ માટે શિરદર્દ છે. આવી બધી મુશ્કેલીઓનો અંત આવે તો પ્રજાનું કલ્યાણ થયું ગણાશે. ભવિષ્યમાં જો પોતાની સરકાર રચાશે તો લોકોને લાઈનના બદલે ઘરે સેવા મળશે તેવું આયોજન ગોઠવવાની હિમાયત કરી હતી. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં અત્યાર સુધીમાં ત્રીજો મોરચો સફળ થયો નથી. આપની પાર્ટી નવી છે તે વિશે આપ શું કહેશોના પૂછાયેલા સવાલનો મજબૂતાઈથી જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી જે ત્રીજા મોરચાઓ થયા છે તે તમામ અસંતુષ્ટ જૂથના થયા છે અને તેની પાસે કોઈ મિશન નહોતું. અમે ભાજપ કે કોંગ્રેસ નહીં પણ પ્રજાની સાચી સેવાના મિશન સાથે આવ્યા છીએ અને તે પણ રાજનીતિ બદલવા આવ્યા છીએ. વિપક્ષ કોંગ્રેસ નબળો પડે છે એવા ગુજરાતના તાજેતરના સમયના ઘણા દાખલાઓ છે. ત્યારે અમારી પાર્ટી મજબૂત રીતે વિપક્ષ નિભાવી રહી છે એમ કહ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer