ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરો વચ્ચે મારામારી

ગાંધીધામ, તા. 23 : શહેર નજીક કચ્છ (આર્કેડ) પ્લેટિનમના પ્રાંગણમાં વાહનના ચાલકને માર મારવા મુદ્દે ટ્રાન્સપોર્ટરો વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. તેમજ શહેરના રોટરીનગરમાં બે લોકો ઉપર હુમલો કરાતાં એક કિશોરી  સહિત ચાર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભવાની રોડ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચાલવતા દશરથસિંહ નાથુસિંહ ખંગારોતે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમણે મીઠુકાકા, જગદીપસિંહ ઉર્ફે જયદીપસિંહ ખાલસા, કેતન આયર તથા રમેશ ઉર્ફે બલી સામે ફરિયાદ કરી હતી. ગઈકાલે આ ફરિયાદીને ફોન આવ્યો હતો અને અમારા ડ્રાઈવરને શું કામ માર માર્યો છે તથા ગાડી શું કામ કબ્જે કરી છે. તમે નીલકંઠ પાર્કિંગ કાસેઝ વળાંક પાસે આવો તેવું સામેના છેડેથી જણાવાયું હતું. ત્યારે આ ફરિયાદીએ પોતાને કાંઈ ખબર ન હોવાનું અને તે વાત એસોસીએશનમાં કરવા કહ્યંy હતું. બાદમાં આ ફરિયાદી અને એસો.ના અન્ય સભ્ય કચ્છ (આર્કેડ) પ્લેટિનમ ઓફિસ નં. 108માં બેઠા હતા ત્યારે આ આરોપીઓ ત્યાં આવી દશરથસિંહ ખંગારોત કોણ છે તેમ કહી તેમના ઉપર છરી વડે હુમલો કર્યો હતો તથા એસો.ના અન્ય સભ્યોને માર મરાયો હતો. તો સામા પક્ષે જગદીપસિંહ ઉર્ફે જયદીપસિંહ દર્શનસિંહ ખલાસા (શીખ)એ જગતારસિંઘ ભોયારાઈ, દશરથસિંઘ ખંગારોત તથા અન્ય બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદીને તેના મિત્ર રમેશ ગોવિંદ ચાવડાનો  ફોન આવ્યો હતો અને અગાઉ મારી પાસે બાયો ડીઝલ ભરાવવા આવતા કેશારામને દશરથસિંઘ ખંગારોતે માર માર્યો હોવાનું કહ્યું હતું. આ ફરિયાદી નીલકંઠ પાર્કિંગ પાસે જઈ દશરથસિંઘને ફોન કર્યો હતો અને બાદમાં મીઠુ ઈબ્રાહીમ મથડા ઉર્ફે મીઠુકાકા, કેતન આયર, રમેશ ચાવડા અને આ ફરિયાદી કચ્છ આર્કેડમાં ઓફિસ નંબર 108 પાસે ગયા હતા. જ્યાં જગતારસિંઘે મીઠુકાકાની છાતીમાં મુક્કો મારી બાદમાં તેમની કારના કાચ તોડી નાખ્યા હતા. મીઠુકાકા, ડ્રાઈવર કેશારામ, કેતન આયર અને રમેશ ચાવડા મારની બીકના કારણે ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારે આ ફરિયાદીને પકડી લેવાયો હતો અને તેને આ ચાર શખ્સો જગતાર, દશરથસિંઘ અને અન્ય બે શખ્સોએ માર માર્યો હતો. આ બંને પક્ષોની પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ એક મારામારીનો બનાવ શહેરના રોટરીનગરમાં બન્યો હતો. ખીમબહાદુર વીરબહાદુર બિસ્ટ (થાપા) અને સુખલાલ છબીલાલ સોની પોતાના કુટુંબીના ઘરે રોટરીનગર આવ્યા હતા ત્યારે તે વાતનું મનદુ:ખ રાખી કિશન રાયશી દેવરિયા તથા અન્ય બે શખ્સો અને એક કિશોરીએ આ બંને ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા આ બંનેને સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે મારામારીના આ બનાવમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer