ગાંધીધામમાં સલૂનમાં ધમધમતું જુગારધામ પોલીસની ઝપટે

ગાંધીધામ, તા. 23 : શહેરનાં શક્તિનગરમાં આવેલાં એક સલૂનમાં ચાલતાં જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ બંધ દુકાનમાં જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડા રૂા. 82,800 જપ્ત કરવામાં આવ્યા હતા શક્તિનગર વિસ્તારમાં પ્લોટ નંબર 68માં આવેલાં લક્ષ સલૂનમાં જુગારધામ ચાલતું હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી  હતી, જેના આધારે પોલીસની એક ટીમ આ દુકાન પાસે પહોંચી  હતી. શટરને અંદરથી બંધ કરી તેમાં જુગારધામ ચાલી રહ્યું હતું. પોલીસે દરવાજો ખખડાવતાં દરવાજો ખોલાયો હતો અને અંદર  પાંચ શખ્સ જુગાર ખેલતા નજરે પડયા હતા. આ દુકાન તથા જુગારધામ ચલાવતા મેઘપર કુંભારડી ભક્તિનગર-1માં  રહેતા આશિષ બાબુ વાજા તથા નવી સુંદરપુરી આહીરવાસમાં રહેતા બળદેવ વીરભાણ ચૌહાણ, સેકટર પાંચમાં પ્લોટ નંબર 73માં રહેતા મંથન ઉર્ફે સની નીતિન મહેતા, સેકટર- સાતમાં પ્લોટ નંબર પાંચ મકાન-3માં રહેતા ધવલ જયંતી ચાવડા અને  સેકટર-7માં મકાન નંબર 410માં રહેતા કૈલાશ હસ્તીમલ સુથાર નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા.ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવતા અને પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા 82,800 તથા ચાર મોબાઇલ એમ કુલ રૂા. 1,23,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer