કચ્છના સર્જકોને `કચ્છમિત્ર''એ ઉજાગર કર્યા

કચ્છના સર્જકોને `કચ્છમિત્ર''એ ઉજાગર કર્યા
રાપર, તા. 21 : વર્ષ 1947માં દાદરથી શરૂ થયેલી  સફરના 74 વર્ષ પૂર્ણ કરી 75મા વર્ષમાં પ્રવેશ કરનારા `કચ્છમિત્ર' દૈનિકના 75મા જન્મદિવસ અમૃત પર્વની રાપર ખાતે ઉમંગભેર ઉજવણી  કરવામાં આવી હતી. નિષ્ઠા અને પ્રામાણિકતા `કચ્છમિત્ર'ની મહત્વની બાબત હોવાનો  ભાવ આ વેળાએ વ્યકત કરવામાં આવ્યો હતો. શહેરના  દરિયાસ્થાન મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમનો આરંભ સ્તુતિ વંદના સાથે કર્યા બાદ પ્રસિધ્ધ યાત્રાધામ રવેચી મંદિરના મહંત ગંગાગિરિ બાપુ અને મંચસ્થ મહેમાનોના હસ્તે કેક કાપીને `કચ્છમિત્ર'ના 75મા વર્ષના પ્રવેશે અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગંગાગિરિ બાપુએ અખબારની શતાયુ તરફની યાત્રા વધુ સારી રીતે આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. રાપર દરિયા સ્થાન મંદિરના મહંત ડો.ત્રિકાલદાસબાપુએ પ્રામાણિકતા અને નિષ્ઠા આ અખબારની મહત્વની બાબત હોવાનું જણાવી પ્રામાણિકતા અને નિષ્ઠાની ચાળણીમાંથી  ચાળીને જે શેષ નીકળે  તે સમાચાર રૂપે પ્રકાશિત કરે છે. તેમજ નવા સર્જકોને પ્રોત્સાહન આપી મહત્વનું કાર્ય કરાતું હોવાનું જણાવ્યું હતું. જયારે સોશિયલ મીડિયાનો જમાનો ન હતો ત્યારે અને આજે પણ `કચ્છમિત્ર'એ  લોકોને લોકો સુધી જોડવાની કામગીરી સુપેરે પાર પાડી છે. છેવાડાના ગામડા સુધી વાત આ અખબારના માધ્યમથી પહોંચતી હતી તેવું તેમણે ઉમેર્યું હતું.`રાડા'ના પૂર્વ ચેરમેન કેશુભા વાઘેલાએ લોકોના તાણાવાણા `કચ્છમિત્ર' સાથે જોડાયેલા હોવાની લાગણી વ્યકત કરી  સાડા સાત દાયકાની સફરમાં ટાંચાના સાધનોમાં પણ કચ્છના પ્રશ્નોની ચિંતા સેવી  છે તેને દાદ આપવી પડે તેવું જણાવ્યું હતું. તેમણે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન દામજીભાઈ એન્કરવાલાએ કચ્છ માટે કરેલા સેવાકાર્યોને પણ  યાદ કર્યા હતા. રાપર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કરે `કચ્છમિત્ર' સાથેના સંસ્મરણો તાજા કરી પોતે પોસ્ટ કાર્ડ મારફત ગામની સમસ્યા મોકલતા અને એ પ્રકાશિત થતાં જ સમસ્યા તુરંત ઉકેલાઈ જતી તેવું કહી ગામડાના પ્રશ્નોને વાચા આપવામાં જાગૃત પ્રહરીની ભૂમિકા અદા કરી હોવાની લાગણી વ્યકત કરી હતી. રાપર સરકારી કોલેજના પ્રાધ્યાપક રમજાન હસણિયાએ `કચ્છમિત્ર' સાથે લોકોની સંવેદના જોડાયેલી હોવાનો ભાવ વ્યકત કર્યો હતો. કચ્છના સર્જકોને  પ્રકાશમાં લાવવાનું મહત્વનું આ કાર્ય આ અખબારે કર્યું હોવાનું જણાવી હવે વાગડ વિસ્તારમાં યુવાન કલમો લખતી થઈ છે  ત્યારે વાગડના સમાચારોમાં વિધાયકતા આવે તે માટે સાથે મળીને કામ કરવું પડશે અને આ કાર્યમાં `કચ્છમિત્ર' જ મદદરૂપ થઈ શકશે તેવું તેમણે જણાવ્યું હતું. આરંભમાં પરિવારના મુકેશ ઠક્કરે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. સંચાલન અને આભારવિધિ સૂર્યશંકર ગોરે કરી હતી. આ વેળાએ રાપર બ્યૂરોના ઉદય અંતાણી, તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી સોઢા, અગ્રણી ભીખુભા સોઢા, આડેસરના પ્રતિનિધિ ખેંગાર પરમાર, પલાંસવાના પ્રતિનિધિ પરેશ દવે, મહાદેવ બારડ, રાપરના વિતરક કેયૂર ત્રિવેદી, નૈમિશ મોરબિયા, વસંત મોરબિયા, રાજકીય પક્ષોના પદાધિકારીઓ , વિવિધ સંસ્થા, જ્ઞાતિ સંગઠનના  હોદેદારોએ ઉપસ્થિત રહી અમૃત પર્વે અખબારને શુભેચ્છા પાઠવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer