5000 મીટર વિઝિબિલિટી ન મળતાં કંડલા એરપોર્ટમાં વિમાની સેવા ખોરવાઈ

5000 મીટર વિઝિબિલિટી ન મળતાં કંડલા એરપોર્ટમાં વિમાની સેવા ખોરવાઈ
ગાંધીધામ, તા. 21 : કોરોના કાળ બાદ વિમાની સેવા ચાલુ થયા બાદ કંડલા  વીમાની મથકે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો ત્યારે હવે વીઝીબીલીટીની  ક્ષમતા  વધારી દેવાતા તેના કારણે વિમાની સેવાઓ રદ થવાની પરિસ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી  સર્જાઈ છે. હજુ પણ આ પરિસ્થિતિ યથાવત રહે તેવું સુત્રો જણાવી રહ્યા છે.  વિમાની મથકે ઈન્સટ્રુમેન્ટ ફલાઈટ રૂલ્સ (આઈ.એફ.આર.) માટે પ્રક્રિયા આદરાઈ છે. જો તે તુરંત થઈ જાય તો વિમાની સેવા રદ  થવાની શકયતાઓ નિવારી શકાશે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ કોરોના કાળ બાદ અમદાવાદથી વિમાની સેવા બંધ જ છે. પરંતુ હાલ  દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈની  સેવા શરૂ છે. પરંતુ હાલ ઓછી વીઝીબીલીટીના કારણે  કોઈ પણ ફલાઈટની વિમાની સેવાને મંજુરી આપી શકાતી નથી. જેના કારણે  પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.  એરપોર્ટ ઓથોરીટીના સુત્રોના જણાવ્યા પ્રમાણે કંડલા એરપોર્ટને વીઝયુઅલ ફલાઈટ રેગ્યુલેશન લાયસન્સ છે. જેથી ડી.જી.સી.એ દ્વારા  ઓપરેશન માટે 5000 મીટર  વીઝીબીલીટી જરૂરી હોવાના નિર્દેશ આપ્યા છે. હાલ  વાતાવરણ વાદળછાયું રહેતા   ઓછી વીઝીબીલીટીના કારણે એરપોર્ટ ઓથોરીટી દ્વારા  મંજુરી આપવામાં આવતી નથી. હજુ પણ મુંબઈ દિલ્હીની ફલાઈટ આવા જ કારણોસર રદ રહે તેવી સ્થિતિ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. દરમ્યાન વિમાની કંપનીના વર્તુળોના જણાવ્યા પ્રમાણે 5000 મીટર વીઝીબીલીટી  સામાન્ય વાતાવરણમાં સવારના સમયમાં પણ નથી મળતી હોતી ત્યારે આ નિયમથી સંચાલનમાં ઘણી તકલીફ ઉભી થશે તેવી  દહેશત વ્યકત કરાઈ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આઈ.એફ.આર. લાયસન્સની પ્રક્રીયા તુરંત પુરી થાય તો 2000 મીટરની વીઝીબીલીટીમાં પણ  ઓપરેશન શકય બને.  આ અંગે એરપોર્ટ મેનેજર સંજીવ મેંગલનો સંપર્ક સાધતાં તેમણે ઈન્સટ્રુમેન્ટર ફલાઈટ રેગ્યુલેશન (આઈ.એફ.આર.) માટેની કામગીરી ચાલુ છે અને ડી.જી.સી.આઈ.માં આ અંગેની દરખાસ્ત મોકલી દેવાઈ છે. આ માટેના સાધનો લાગી ગયા હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer