ગાંધીધામના બે શખ્સે વડોદરાના ટ્રાન્સપોર્ટર સાથે 44 લાખની ઠગાઈ કરી

રાપર, તા. 21 : ગાંધીધામના ટેન્કર માલિક અને ચાલકે સીંગતેલનો જથ્થો નિયત સ્થળે ન પહોંચાડીવડોદરાના ટ્રાન્સપોર્ટર સાથે રૂા. 44 લાખની છેતરપિંડી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આરોપીઓએ બનાવને છુપાવવા ટેન્કરને પલ્ટી ખવડાવ્યું હતું.  પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 17 જુલાઈના  બપોરે બે વાગ્યાથી રાત્રિના 8 વાગ્યાના અરસામાં ભચાઉ તાલુકાના શિકારપુર ખાતે બન્યો હતો. આ મામલે ફરિયાદી સુભાષ બાબુલાલ મોરીએ આરોપી  ટેન્કર માલિક ઓમપ્રકાશ માલી અને ચાલક મહેન્દ્ર સ્વામી સામે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આરોપી ઓમપ્રકાશ માલીના ટેન્કરમાં ફરિયાદીએ   તારાપુર રાજસ્થાન મોકલવાનું  29.935 મેટ્રીક ટન સીંગતેલ  ગત તા. 15 જુલાઈના ભરી આપ્યું હતું.  ગત તા. 18ના ચાલકે ફરિયાદીને ફોન કરી ટેન્કર પલ્ટી ખાઈ ગયું હોવાનું અને  સીંગતેલ ઢોળાઈ ગયું હોવાનું કહ્યું હતું. પરંતુ ફોટા જોતા સીંગતેલ બધું ઢોળાઈ ગયું હોય તેવું જણાયું નહીં.ફરિયાદીને શંકા જતાં તેણે ચાલક મહેન્દ્ર સ્વામીની પૂછપરછ કરતા મામલો બહાર આવ્યો હતો. ચાલકે આપેલી કેફીયત પ્રમાણે આરોપી ઓમપ્રકાશ ગત તા. 17ના બપોરે બે વાગ્યે શિકારપુર ખાતે આવ્યો હતે. અને સીંગતેલનો જથ્થો  સગેવગે કરી રાત્રિના ચાલકને પરત આપી જયાં મોકો મળે ત્યાં પલ્ટી ખવડાવી દેવા સૂચના આપી હતી. આ મામલે ફરિયાદીએ પોતાની રીતે તપાસ કરી હતી. પરંતુ કાંઈ માહિતી ન મળતાં આજે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer