આગામી ચૂંટણી સુધી સોનિયા જ પ્રમુખ ?

નવી દિલ્હી, તા. 21 : આગામી વર્ષે ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં ચૂંટણી થવાની છે. 2024માં લોકસભા ચૂંટણી છે, જેને જોતાં કોંગ્રેસ હાલમાં પક્ષ પ્રમુખને બદલવાના મૂડમાં નથી. લોકસભા ચૂંટણી સુધી કોંગ્રેસની કમાન વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના હાથમાં જ રહી શકે છે. જો કે, કેટલાક યુવા ચહેરાને પ્રમુખપદ આપવામાં આવી શકે છે. સૂત્રોને ટાંકીને પ્રસિદ્ધ હેવાલ મુજબ કોંગ્રેસ પ્રમુખ પદે રાહુલ ગાંધી નિયુક્ત થવાના અણસાર નથી. એ અલગ વાત છે કે તેઓ ટોચના સ્તરે નિર્ણય લેતા રહેશે. કોંગ્રેસની નજર આગામી લોકસભા ચૂંટણી પર છે. ત્યાં સુધી સોનિયા ગાંધી જ કોંગ્રેસ અધ્યક્ષ રહેશે. એવું જણાવવામાં આવ્યું હતું કે, 2024ની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસમાં મોટો ફેરબદલ થઇ શકે છે, જેમાં યુવા કોંગ્રેસ નેતાઓની સાથે ગાંધી પરિવારના વફાદારોને પક્ષ સંગઠનની અંદર મહત્ત્વની ભૂમિકા મળી શકે છે.સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષમાં ચાર કાર્યકારી અધ્યક્ષોની નિમણૂક થવાની સંભાવના છે. આ ચારેય કાર્યકારી પ્રમુખ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મદદ કરશે. ગુલામનબી આઝાદ, સચિન પાયલટ, કુમારી શૈલજા, મુકુલ વાસનિક અને રમેશ ચેન્નીથયા કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદ માટે દોડમાં સૌથી આગળ છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer