આંચકારૂપ હાર બાદ લંકાના કોચ આર્થર અને કેપ્ટન શનાકા મેદાન પર જ ઝઘડયા

કોલંબો, તા. 21: જીતની બાજીને હારમાં પલટાતા શ્રીલંકા કોચ મિકી આર્થર તેમની ટીમથી ઘણા નારાજ છે. મેચની આખરી ત્રણ ઓવર સુધી શ્રીલંકાની ટીમનું પલડું ભારે હતું. આ પછી પણ લંકા માટે જીતની તક હતી. મેચના આખરી તબક્કે ભારતના પૂંછડિયા ખેલાડીઓ દીપક ચહર (અણનમ 69 રન) અને ભુવનેશ્વર કુમાર (અણનમ 19 રન)એ આઠમી વિકેટમાં 84 રનની ભાગીદારી કરીને શ્રીલંકાના બોલરોની ધોલાઇ કરી હતી. આ દરમિયાન ટીવી પ્રસારણમાં જોવા મળતું હતું કે લંકન કોચ મિકી આર્થર વારંવાર તેમની સીટ પરથી ગુસ્સામાં ઉભા થઇ જતાં હતા. આટલું ઓછું હોય તેમ મેચ ખતમ થયા બાદ કોચ આર્થર મેદાનમાં ધસી ગયા હતા અને કપ્તાન દાસુન શનાકાનો ઉધડો લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે કોચ મિકી આર્થર સુકાની શનાકાને ઠપકો આપે છે અને પછી ગુસ્સામાં મેદાન છોડી દે છે. ભારતે આ સાથે શ્રીલંકા સામે 92મી વન ડે જીત મેળવીને પાકિસ્તાનને પાછળ રાખી દીધું છે. પાક. ટીમના નામે શ્રીલંકા સામે 92 વિજય છે. ભારત તરફથી વન ડેમાં દીપક-ભુવી વચ્ચે 84 રનની ભાગીદારી બીજા નંબરની છે. આ પહેલા ધોની અને ભુવનેશ્વર વચ્ચે 2017માં આઠમી વિકેટમાં 100 રનની અણનમ ભાગીદારી નોંધાઇ હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer