કચ્છમાં અકસ્માત-આપઘાતથી ચાર જિંદગી પૂર્ણ

ગાંધીધામ, તા. 21 : મુંદરાના ધ્રબ નજીક ન્યૂ પોર્ટ રોડ ઉપર અજાણ્યા વાહનની હડફટે ચડતાં રામધની સંજીત ખેમવાર (ઉ.વ. 21) નામના યુવાને પોતાનો જીવ ખોયો હતો. બીજીબાજુ નાના કપાયામાં સંગીતા વિજય વાસુંબિયા (ઉ.વ. 18) નામની યુવતીએ અને અંજારના ભીમાસરમાં ધના નાથાભાઇ રબારી (ઉ.વ. 25)એ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું તેમજ ગાંધીધામ નજીક બ્રિજેશ મહાદેવ પ્રસાદ (ઉ.વ. 51) પડી જતાં આ આધેડનું મોત થયું હતું. મુંદરાના ન્યૂ પોર્ટ રોડ સતલુજ પંજાબી ઢાબા સામે મીઠાણી કોલોની તરફ જતા માર્ગે ભંગારના વાડાની બાજુમાં અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ પર રામધની નામનો યુવાન પગપાળા જઇ રહ્યો હતો, તેવામાં કોઇ મોટા વાહને આ યુવાનને હડફેટમાં લેતાં તેને માથા સહિતની જગ્યાએ ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવમાં અનેશ્વર રામજીત ખેરવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હિટ એન્ડ રનના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અપમૃત્યુનો એક બનાવ નાના કપાયામાં બન્યો હતો. અહીં રહેનારી સંગીતા વાસુંબિયા નામની યુવતીએ ગઇકાલે સાંજે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવતીએ પોતાના ઘરે લાકડાની આડીમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન પૂર્ણ કરી લીધું હતું. આ યુવતીએ કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ મુંદરા પોલીસે હાથ ધરી છે. અપમૃત્યુનો બીજો બનાવ અંજાર તાલુકાના ભીમાસર ગામમાં બન્યો હતો. ભીમાસર-અંજાર રોડ ઉપર લ્યૂસ કંપનીની સામે આવેલા બંધ પડેલા બેન્સામાં આ બનાવ આજે કોઇ પણ સમયે બન્યો હતો. ગામના રબારીવાસમાં રહેનારો ધનાભાઇ રબારી નામનો યુવાન બેન્સામાં ચોકીદારની ઓરડીમાં ગયો હતો, જ્યાં તેણે અગમ્ય કારણોસર નાયલોનની દોરી આડીમાં બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુવાન ડ્રાઇવિંગ કામ કરતો હતો. તેની સગાઇ થઇ ગઇ હતી. તેણે કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક બનાવ ગાંધીધામના સ્મશાન નજીક કચ્છ આર્કેડ પાસે બન્યો હતો. શાંતિધામ સોસાયટી વરસામેડીમાં રહેનારા બ્રિજેશ પ્રસાદ નામના આધેડ માર્ગ પરથી જઇ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક પડી જતાં તેમને બેભાન હાલતમાં સારવાર અર્થે લઇ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે આ આધેડને મૃત જાહેર કર્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer