કચ્છમાં 20 સહિત સરહદ રેન્જ સ્તરે બાયોડીઝલ સામે 32 દરોડા

ભુજ, તા. 21 : ગેરકાયદે થઇ રહેલી બાયોડીઝલની પ્રવૃતિ ઉપર તૂટી પડવા માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપેલા આદેશ બાદ આ અન્વયે રાજયના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાના હુકમથી ચાલી રહેલી આ કાર્યવાહી દરમ્યાન પોલીસદળે સરહદ રેન્જ સ્તરે અત્યાર સુધી કચ્છમાં 20 સહિત કુલ્લ 32 દરોડા પાડયા છે. જેમાં  રૂા. 5.28 કરોડની માલમતા કબ્જે લઇને સપાટો બોલાવાયો છે. કચ્છ સહિતના ચાર જિલ્લાને સાંકળતી સરહદ રેન્જના વડા મહાનિરીક્ષક જે.આર. મોથાલિયાના માર્ગદર્શન અને સૂચના અન્વયે પોલીસ સ્ટાફે આ કાર્યવાહી હાથ ધરી છે. પશ્ચિમ કચ્છમાં 11, પૂર્વ કચ્છમાં નવ, બનાસકાંઠામાં આઠ અને પાટણ જિલ્લામાં ચાર મળી કુલ્લ 32 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 61 આરોપી પકડાયા છે.  સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ પશ્ચિમમાં 25, પૂર્વમાં 14,  બનાસકાંઠામાં 16 અને પાટણમાં છ મળી કુલ્લ 61 આરોપીની ધરપકડ કરાઇ છે. તો આ ચારેય પોલીસ જિલ્લામાં કુલ્લ રૂા. 5.28 કરોડની માલમતા કબ્જે લેવામાં આવી છે. રેન્જ કચેરીએ એક યાદીમાં આ માહિતી આપતા બાયોડીઝલ, બેઇઝ ઓઇલ, અન્ય મિશ્રિત ઓઇલને સંલગ્ન સંગ્રહ કે પરિવહનની માહિતી મળે તો રેન્જ કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં સોમવારે ભુજના પાદરમાં માધાપર હાઇવે ઉપર સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા પડાયેલો દરોડો રેન્જ સ્તરની મોટી કાર્યવાહી પૈકીનો એક બની રહ્યો છે. આ કિસ્સામાં મોટા માથા એવા ટ્રાન્સપોર્ટરની સંડોવણી ખૂલી છે. તો આજે પૂર્વ કચ્છમાં પડાયેલો દરોડો પણ મોટી કાર્યવાહી પૈકીનો બની રહ્યો છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer