રેલડી ડાયરા મામલે ગીતાબેન સામેની કાર્યવાહી વિરુદ્ધ વચગાળાનું રૂકજાવ

ભુજ, તા. 21 : તાલુકામાં રેલડી ગામની સીમમાં ખાનગી ફાર્મહાઉસ ખાતે ડાયરો યોજવાના મામલે પદ્ધર પોલીસ મથકમાં વિવિધ કલમો તળે દાખલ થયેલા ગુનાના કેસમાં કચ્છના જાણીતા લોકગાયિકા ગીતાબેન રબારી સામે કાયદાકીય કાર્યવાહી કરવા સામે રાજયની વડી અદાલતે રૂકજાવનો વચગાળાનો આદેશ કર્યો હતો. ગત તા. 23મી જુનના ધાર્મિક પ્રસંગ અન્વયે આયોજીત આ ડાયરા બાબતે લોકગાયિકા ગીતાબેન રબારી અને ફાર્મ હાઉસના માલિક સંજય પ્રતાપ ઠકકર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પદ્ધર પોલીસ મથકમાં દાખલ થયેલી આ એફ.આઇ.આર. રદ કરવા માટે ગીતાબેન દ્વારા કરાયેલી ખાસ ફોજદારી અરજીની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ આદેશ કરાયો હતો. રેલડીના ડાયરા સબંધી કેસમાં ગીતાબેન સામે શિક્ષાત્મક કે અન્ય કોઇ કાયદાકીય પગલા ન લેવાય તેવો વચગાળાના મનાઇ હુકમનો આદેશ ન્યાયાધીશ વી.એમ. પંચોલી દ્વારા ગઇકાલે કરાયો હતો. આ સુનાવણીમાં ગીતાબેન વતી વકીલ તરીકે હાઇકોર્ટમાં અમદાવાદના કૃતિબેન શાહ તથા ભુજના અમિત એ. ઠકકર રહયા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer