માર્ગ - મકાન વિભાગના રોજમદારોને પગાર સમયસર આપવા માંગ

ભુજ, તા. 21 : માર્ગ અને મકાન વિભાગ હેઠળ ફરજ બજાવતા રોજમદારો તથા વર્કચાર્જ કર્મચારીઓને  સમયસર ગ્રાન્ટ ન આવતાં નિયમિત પગાર ન મળતાં રોષની લાગણી  ફેલાઇ હતી. કચ્છ જિલ્લામાં આશરે 100થી 150 રોજમદાર/વર્કચાર્જ કર્મચારી કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, ભુજ હેઠળ જુદા જુદા સબ ડિવિઝનમાં નખત્રાણા, માંડવી, ભુજ, અંજાર, ભચાઉ અને રાપર અલગ-અલગ સાઇટ પર ફરજ બજાવે છે. તેઓને દર માસે મળતો પગાર છેલ્લાં દોઢ વર્ષથી 15થી 25 તારીખ વચ્ચે કરવામાં આવે છે. સરકારે ખાસ પરિપત્ર બહાર પાડયો છે, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે રોજમદાર/વર્કચાર્જ કર્મચારીને માસની 5 તારીખ સુધીમાં પગાર ચૂકવણું કરી આપવું. તેમ છતાં ગ્રાન્ટ સમયસર ન આવતાં પગાર 15થી 25 તારીખ સુધી કરવામાં આવે છે. પગાર નિયમિત ન મળતાં આર્થિક સંકડામણ અનુભવે છે અને આવી મોંઘવારી તથા કોરોનાકાળ વચ્ચે રોજમદાર/વર્કચાર્જ કર્મચારીને નાણાંની ખૂબ જ મુશ્કેલી પડે છે. તો આ અંગે નિયમિત પગાર ચૂકવણા અંગે બાંધકામ મજૂર મંડળના સભ્યોએ  કાર્યપાલક ઇજનેરને પગાર બાબતે રજૂઆત કરી હતી. તેઓએ હૈયાધારણ આપતાં જણાવ્યું કે, ગ્રાન્ટ સમયસર આવે એટલે નિયમિત પગાર કરી આપશે. સમયસર ગ્રાન્ટ ફાળવવામાં આવે તો  કચ્છમાં ફરજ બજાવતા રોજમદાર/વર્કચાર્જ કર્મચારીઓના પગાર 1થી 5 તારીખ વચ્ચે મળી જાય તેવી માગણી કરાઇ હતી તેવું મંડળના પ્રમુખ વી. ડી. ઠક્કરે જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer