કચ્છમાં શનિ-રવિ મધ્યમ-ભારે વરસાદની આગાહી

ભુજ, તા. 21 : વરસાદનો ધોરીમાસ ગણાતો અષાઢ અડધો વિતવાના આરે હોવા છતાં હૈયે ટાઢક વળે તેવો સાર્વત્રિક વરસાદ ન વરસતાં ચિંતાનાં વાદળો છવાઈ રહ્યાં છે ત્યારે ગુજરાત પરથી પસાર થતાં ટ્રફ શેર ઝોન તેમજ બંગાળની ખાડીમાં સર્જાનારા હવાના હળવા દબાણની અસર તળે કચ્છમાં શનિ-રવિ કેટલાંક સ્થળે ભારે તો  ઘણા ખરા સ્થળે હળવો મધ્યમ વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરતાં મેઘમહેર વરસે તેવી આશાનો સંચાર થયો છે.  ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે વિગતો આપતાં કહ્યું કે, શનિ-રવિ જિલ્લામાં ભારે વરસાદ વરસે તેવી પ્રબળ શક્યતા છે. તો તેને બાદ કરતાં છૂટાછવાયા હળવા વરસાદનો દોર જારી રહી શકે છે. હાલ જિલ્લામાં ઓછી ઊંચાઈએ વાદળો છવાયેલા હોવા સાથે વાતાવરણમાં ભેજના ઓછા પ્રમાણના લીધે વાદળો છવાતાં હોવા છતાં વરસાદ વરસતો નથી, પણ હવે સ્થિતિ સાનુકૂળ બનતાં વરસાદ વરસે તેવી શક્તાઓ પ્રબળ બની છે. દરમિયાન જિલ્લામાં સરેરાશ 1પથી રપ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતાં દિવસભર ધૂંધળો-ધાબડિયો માહોલ છવાયેલો રહ્યો હતો. કેટલાંક સ્થળે ઝરમરિયા છાંટા વરસતાં માત્ર રસ્તા ભીંજાયા હતા. જિલ્લા કન્ટ્રોલરૂમમાં મુંદરામાં ર મિ.મી. વરસાદની નોંધ થઈ હતી.  હવામાન વિભાગના પ્રભારીએ એમ પણ કહ્યું કે, સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં આ રીતે ઝડપી પવન ફૂંકાતો હોય છે. હાલ જે ઝડપે પવન ફૂંકાય છે તે અતિ સામાન્ય હોવાનું જણાવ્યું હતું. વાદળછાયા માહોલના લીધે ભુજ, કંડલા (એ), કંડલા પોર્ટ અને નલિયા કેન્દ્રમાં મહત્તમ પારો 31થી 34 ડિગ્રી વચ્ચે રહેતાં ગરમીની તીવ્રતા ઓછી અનુભવાઈ હતી. લઘુતમ પારો ર6થી ર8 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer