અબડાસામાં મગફળી વાવણીનો ધમધમાટ

નલિયા, તા. 21 : અબડાસા તાલુકાના કેટલાક ગામોમાં અષાઢ મહિનાના આરંભે જ સારો વરસાદ થતાં 40થી 50 ગામોમાં વાવણીનો ધરતીપુત્રોએ આરંભ કર્યો છે. તેમાંય મોટા ભાગના ખેડૂતોએ મગફળીના પાક પર પસંદગી ઉતારતાં વર્ષ સારું જશે તે આશાએ વાવણીકાર્ય આરંભ્યું છે અને વધુ મહેરની આશા જીવંત છે.અબડાસાના મોટા ભાગના વિસ્તારમાં વાવણીલાયક વરસાદ નથી, જેનાં કારણે નેસેપાણી આવ્યાં નથી. મેઘરાજાએ આષાઢી બીજનું મુહૂર્ત સાચવતાં અને  હજી ચોમાસું જામવાની આશા સાથે ખેડૂતો આ જુગાડ કરી રહ્યા છે. આ માટે મગફળીનાં બિયારણની દસેક ટ્રકો એટલે કે એકાદ લાખ કિ.ગ્રા. મગફળીનાં બિયારણોની ટ્રકો અબડાસામાં ઊતરી છે. જેમાં વાયોરમાં ચાર ટ્રક, તેરામાં બે ટ્રક, બિટ્ટામાં એક ટ્રક અને ત્રણ ટ્રકો ગ્રામ્ય વિસ્તારમાં તેમજ નલિયામાં બિયારણની આવક થઇ છે. જેની કિંમત રૂા. એકાદ કરોડની થવા જાય છે. તાલુકાના સૂકાભઠ્ઠ એવા ગરડા વિસ્તારમાં મગફળીનું વાવેતર પૂરજોશમાં ચાલુ કરાયું છે. જેમાં વાયોર, વાગોઠ, ઉકીર, ફુલાય, વાઘાપદ્ધર, ચરોપડી, નાની-મોટી બેર , અકરી, ગોલાય, હોથીયાય, કરમટા, સારંગવાડા, ખારઇ સહિતના 40થી 50 ગામોની 70થી 80 હજાર એકર ગરડા વિસ્તારની જમીનમાં  વાવેતર શરૂ કરાયું છે. માન્ય બિયારણ મગફળીના પ્રતિ કિ.ગ્રા. રૂા. 95થી 100ના  ભાવે સ્થાનિકે ઉપલબ્ધ બની રહ્યું છે. ટ્રેક્ટર દ્વારા થતું વાવેતર પ્રતિ એક કલાકના રૂા. 600ના ભાવથી ખેડૂતોએ કપિત જમીનમાં વાવેતર આરંભ્યું છે. પ્રતિ એકરે 25 કિ.ગ્રા. કે તેથી વધુ બિયારણની જરૂર પડતી હોય છે. મગફળીનાં વાવેતર પછી સમયાંતરે 3થી 4 વરસાદની જરૂર પડે છે. ચોમાસું સારું જશે તેવી આશા સાથે વાવેતર શરૂ કરાયું હતું. તાલુકાના તેરા ગામની 1000થી 1200 એકર જમીનમાં મગફળીનું વાવેતર કરાઇ રહ્યું છે. ટ્રેક્ટર દ્વારા થતાં વાવેતર અહીં પ્ર્રતિ કલાકે રૂા. 700ના ભાવથી ટ્રેક્ટર ભાડેથી મળે છે. તેરા વિસ્તારમાં સચરાચર વરસાદ થયો નથી, તેમ છતાં ખેડૂતોએ વખતોવખત સારો વરસાદ થશે તે આશાએ મગફળીનું વાવેતર શરૂ કર્યું છે. એ વિસ્તારનાં જ અન્ય ગામો કાળા તળાવ, કુણાઠિયા, રાયધણપર, લાખણિયા, નરાનગર, નાની-મોટી ધુફી સહિતનાં ગામડાંમાં ખેડૂતોએ રામમોલનાં નામે તલીનું વાવેતર આરંભ્યું છે. અબડાસામાં 150 પૈકી 60 ગામોમાં જ રામમોલ અને મગફળીનાં વાવેતરની ખેડૂતોએ શરૂઆત કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer