જેઠમાં જ મેઘરાજાનો નગારે ઘા

જેઠમાં જ મેઘરાજાનો નગારે ઘા
- કચ્છડો પુલકિત મોંઘેરા મહેમાન આર્દ્રા નક્ષત્રથી પણ ચાર દિ' વહેલા પધાર્યા - ભુજ, તા. 18 : કોરોનાના કારમા ઘા અને તેમાંયે બીજી લહેરે આપેલી પીડાથી સમસમેલા કચ્છના ઘા જાણે રુઝવા કે રાહત આપવા આર્દ્રા નક્ષત્રના ચાર દિવસ પહેલાં જ મૃગશીર્ષ નક્ષત્રમાં આવી પહોંચેલા `જેઠિયા મીં'એ પહેલો પગ જ તોફાની અદામાં પાડયો છે અને ભુજ તાલુકાની પટેલપટ્ટીના અમુક વિસ્તારમાં અનરાધાર વરસીને સતત ત્રીજા વર્ષે આગોતરી અને સચરાચર કૃપાના એંધાણ આપી દીધા છે. ગુરુવારથી કચ્છમાં પ્રવેશી ચૂકેલી મેઘસવારીએ શુક્રવારે આક્રમક બેટિંગ જારી રાખતાં ભુજના હૃદયસમા હમીરસરમાં પાલર પાણી ઠાલવતો મોટો બંધ જોશભેર વહ્યો હતો, તો પવનચક્કીઓના કારણે જેનું સૌંદર્ય માંડ-માંડ અકબંધ રહ્યું છે એ પાલરધુનો પણ કાળમીંઢ પથ્થરોને ખડખડાટ હસાવતો હોય તેવા ફીણોટા પાલર પાણીથી વહી નીકળ્યો હતો. ચોમાસું વહેલું છે, ચોમાસું નબળું પડયું છે, ધોધમાર વરસાદ માટે રાહ જોવી પડશે તેવી હવામાન ખાતાની આગાહીઓ વચ્ચે ચોમાસાની પધરામણી માટેના આર્દ્રા નક્ષત્રનો 21મી જૂનથી પ્રારંભ થાય એના ચાર દિવસ પહેલાં જ ભુજમાં સત્તાવાર અંદાજે બે ઈંચ, પટેલ ચોવીસી વિસ્તારમાં બેથી પાંચ ઈંચ ખાબકી પડતાં સર્વત્ર જળોત્સવની આપોઆપ ઉજવણીઓ શરૂ થઈ ગઈ હતી. મોટો બંધ જીવંત થતાં અને વરસાદી પાણી હમીરસર ભણી વહેતા થતાં જિલ્લા મથકમાં આનંદ છવાયો હતો. કલેક્ટર કચેરી અને જી.એસ.ડી.એમ.એ. હસ્તકના કન્ટ્રોલરૂમે આપેલી માહિતી અનુસાર શુક્રવારે બપોરના 12 વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીમાં ભુજ 47 મિ.મી., અબડાસા 22 મિ.મી., રાપર 14, નખત્રાણા 22, ગાંધીધામ 9 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ભચાઉ, માંડવી, લખપત, અંજાર કોરાધાકોર રહ્યા હતા, જ્યારે મુંદરામાં 0.3 મિ.મી. અર્થાત ઝરમર હાજરી હતી. માંડવી-મુંદરા તાલુકા મથકોએ વરસાદ નહિવત્ હતો, પણ ગ્રામ્ય વિસ્તારમાં લોકો આનંદિત થાય તેવો વરસી પડયો હતો. - ભુજમાં તોફાની પવન ફૂંકાયો : જિલ્લા મથક ભુજમાં સવાર સામાન્ય હતી, પરંતુ  બપોરે 12 વાગ્યા આસપાસ ગગન ઘેરાયું હતું અને 12 વાગ્યે પવનના સૂસવાટા સાથે ઝાપટું એવું તો જોશભેર વરસી ગયું હતું કે 10થી 15 મિનિટમાં જ એક-સવા ઈંચ પાણી ખાબકી પડયું અને નીચાણવાળા તથા વરસાદી પાણી ભરાવાના પરંપરાગત સ્થળોએ જળભરાવના દૃશ્યો સર્જાયા હતા. જો કે, તળાવની આવમાં વહેતા થયેલા પાણીએ અન્ય તકલીફો ભુલાવી દીધી હતી. બીજો રાઉન્ડ અઢી વાગ્યા બાદ શરૂ થયો હતો અને ત્યારે પણ થપાટું મારતા પવને ભારે જોર દર્શાવ્યા બાદ ઝાપટાં વરસ્યા હતા. - પટેલપટ્ટી પર અનરાધાર : કેરાથી વસંત પટેલના હેવાલ અનુસાર મેઘરાજાની `પાવર પ્લે' જેવી ઈનિંગ્સે ભુજ તાલુકાની પટેલપટ્ટીના ગામોમાં જેઠ સુદ આઠમે બેથી પાંચ ઈંચ પાલર પાણી ઝીંકી દેતાં લોકો કોરોનાની નિરાશાને ધોઈ નાખી અસલ કચ્છી મિજાજમાં આવી ગયા હતા. બે કાંઠે વહેતી નાગમતિ જોવા લોકો ઊમટયા હતા તો મેઘપરનો એડમન્ડ 16 ફૂટ, ગોડપરનો જામોરા સિંચાઈ ડેમમાં 13 ફૂટ બે ઈંચ જેટલું પાણી સંચિત થયું હતું. આગોતરા આગમનની સૌથી વધુ કૃપા પામેલા ગોડપરથી ચાડવા રખાલ ક્ષેત્રમાં 4થી પાંચ ઈંચ પાણી વરસ્યું હતું જેના કારણે ગ્રામ્ય સિંચાઈનો જામોરા ડેમ ત્રણ ફૂટ જ બાકી રહ્યો હતો તેમાં 13 ફૂટ જેટલું પાણી આવ્યું હતું અને મોડેથી શરૂ થયેલા ખાણેત્રાના મશીન ડૂબ્યા હતા. સરપંચ નારાણભાઈ કાબરિયાએ કહ્યું કે, બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમ્યાન ધુબાકાભેર વરસેલા વરસાદથી ખારા છેલાવાળી પાવડી છલકાઈ હતી. દ્વિતીય ક્રમે સરલી વિસ્તારમાં ચાકરથી પાંચ ઈંચ પાણી પડયાના સમાચાર અગ્રણી વિશ્રામભાઈ રાબડિયા અને સરપંચ મંજુલાબેન રવજી રાબડિયાએ હરખભેર આપ્યા હતા. સરલીના નાના-મોટા 33 ચેકડેમોમાં પાણી ભરાયા છે. રામપર-વેકરાથી સમાજ પ્રમુખ લક્ષ્મણભાઈ છભાડિયાએ જણાવ્યું કે, ગામમાં ત્રણ ઈંચ પાણી વરસ્યું છે, તો સુખપરથી માવજી રાબડિયાએ દોઢ ઈંચના જ્યારે સામત્રાથી દેવશી વરસાણીએ કુંવરજી તળાવ ઓગન્યાની વાત વહેંચી હતી. માધાપરથી અગ્રણી અરજણભાઈ ભુડિયાએ દોઢ ઈંચ વરસાદી વાવડ આપતાં કહ્યું કે, વાવેતર નહીં થાય પણ ખેડ થઈ જશે. મેઘપરથી નર્મદાપ્રેમી કાર્યકર શિવજીભાઈ કેશરા હાલાઈએ હરખભેર કહ્યંy, અમારા એડમન્ટ ડેમમાં 16 ફૂટ નવા નીર આવતાં ગામ ખુશખુશાલ છે. આ ડેમ ગામના પ્રયત્નથી અને ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યના રાજકીય સાથથી એડમન્ડ ડેમની જળક્ષમતા બમણી કરી 34 ફૂટે લઈ જવાઈ છે જેનો લાભ ધરતીપુત્રોને મળી રહ્યો છે. નારાણપર, ગોડપર અને મેઘપર સ્રાવ ક્ષેત્રમાં ધુબાકાભેર ઝડી વરસતાં નાગમતિ નદી બે કાંઠે વહેતી જોવા લોકો ઊમટયા હતા. ગોડપરથી સામાજિક આગેવાન દેવશીભાઈ કરસન હાલાઈ અને સત્સંગી અગ્રણી લક્ષ્મણભાઈ કાબરિયાએ `હરિ'ની મહેર વરસ્યાની વાત કરી હતી. કેરા, નારાણપર, સૂરજપર, બળદિયામાં 1થી દોઢ ઈંચ પાણી પડયું હતું. ખેતરોમાં, રસ્તામાં પાણી ભરાયા હતા. લોકો કોરોનાની નિરાશાને ત્યજી અસલ કચ્છી મિજાજમાં દેખાયા હતા. કુંદનપરથી ધરતીપુત્ર રવજી વેલજી કેરાઈ, કેરાથી શિવજી નાથા ભુવાએ આ વરસાદથી વાવેતર થઈ જશે અને વરસ સારું જશે તેવી વાત કરી હતી. કચ્છના વરસાદે વાયા કેન્યા, યુ.કે., ઓસ્ટ્રેલિયા અને અખાતી દેશોમાં સાયબર વાતાવરણ ભીંજાયું હતું અને હરખ ટપક્યો હતો. - દેશલપર વાંઢાય વિસ્તારમાં મેઘરાજાની આક્રમક એન્ટ્રી : ગઈરાતથી જ ગરમીના અસહ્ય ઉકળાટને લઈને આજે બપોર સુધી આ બફારા વચ્ચે બપોરના બરોબર બે વાગ્યાના અરસામાં મેઘરાજાની પધરામણી પૂર્વ દિશા અને અગ્નિ ખૂણામાંથી થઈ હતી જે વરસાદ ઓચિંતો જ જોરદાર પવન સાથે પાણી પાણી કરી ગયો હતો. આ વરસાદ 2.00 વાગ્યાથી ચાલુ થઈ પાંચ વાગ્યા સુધી વધઘટ થતાં ત્રણથી સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વાડી વિસ્તારોના પાણી વહી નીકળ્યા હતા જેથી તળાવમાં પાણીની સારી એવી આવક થઈ હતી તેમજ આજુબાજુના ગામડામાં પણ આવો જ વરસાદી માહોલ હોતાં સમગ્ર પંથકમાં પુષ્કળ પાણી પાણી થઈ ગયું હતું. હાલે જ્યારે ખેડૂતોની વાડીઓમાં કેસર કેરીનો પાક હજી પૂર્ણ થયો નથી અને ખારેકનો પાક હજી આવવાની શરૂઆત થઈ છે ત્યારે આ મેઘરાજાની પધરામણી બાગાયત ધરાવતા ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે તો બેઠા પાક કરનારા ખેડૂતો માટે આ વરસાદ શુકનવંતો સાબિત થશે તેવી આશા સાથે લોકોએ વરસાદને વધાવ્યો હોવાનું દેશલપરથી અનિલ માકાણીએ જણાવ્યું હતું. કુકમાથી કલ્પેશ પરમારના જણાવ્યાનુસાર બપોરે 1.30 વાગ્યાથી વરસાદી વાદળોએ ડેરો જમાવ્યા બાદ બે વરસાદી ઝાપટાંએ ગામમાં પાણી વહેડાવ્યા હતા. ગામમાં અમુક જગ્યાએ પાણી પણ ભરાયા હતા. - માધાપરમાં પવન સાથે પાલર પાણીનું આગમન : પાટનગરની ભાગોળે આવેલા માધાપર પાસે અસહ્ય બફારા પછી બારેક વાગ્યાના અરસામાં પવન સાથે જોરદાર વરસાદી ઝાપટાંથી પાલર પાણી રસ્તા પર વહી નીકળ્યા હતા. ટ્રાન્સપોર્ટ નગર તરીકે જાણીતા માધાપર ધોરીમાર્ગે આવેલી ટ્રકોના માલિકો અને ક્લિનરો દોડતા થઇ ગયા હતા. - નખત્રાણા પંથકમાં એક ઇંચ મહેર : નખત્રાણાથી પ્રતિનિધિ અશ્વિન જેઠીના હેવાલ અનુસાર છેલ્લા ત્રણેક દિવસથી ભારે બફારો-ઉકળાટ-વરસાદી આડંગ બાદ નખત્રાણા સહિત તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની શુકનવંતી પધરામણીરૂપે અડધાથી પોણો ઇંચ જેટલો વરસાદ પડતાં ધરતીપુત્રો સહિત લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. સવારથી જ વરસાદી અડંગ-વાતાવરણમાં ભેજના કારણે બપોર સુધી અકળામણ બાદ ત્રણેક વાગ્યાની આસપાસ ઉત્તર-પૂર્વ દિશામાં ઘનઘોર વાદળો છવાતાં ધીમીધારે છાંટા પડવાની શરૂઆત થઇ હતી. તાલુકાના અંગિયા, ધાવડા, દેવપર યક્ષ, મંજલ, આણંદસર, સાંયરા વિસ્તારોમાં વરસાદ તેમજ પવનનું જોર વધારે હતું તો બેરૂ, રામપર, રોહા, મોસુણામાં સાધારણ વરસાદ પડતાં પટ?ભીના બન્યા હતા અને ભીમ અગિયારસના બે દિવસ અગાઉ જ શુકન સચવાયું હતું. નખત્રાણામાં આ વરસાદથી શેરીઓમાં જોશભેર પાણી વહ્યા હતા. બસ સ્ટેશન પાસેની પાપડી-છેલામાં પાણી વહ્યા હતા. તાલુકાના કોટડા જ. વિસ્તારમાં વરસાદ ઓછો હોવાનું જાણવા મળ્યું છે. હાલે ખેતીમાં વાવેતરનું કામ ચાલુ છે. મગફળી-કપાસના વાવેતર ખેડૂતો દ્વારા થઇ રહ્યા છે ત્યારે મગફળીને પાણી પીવડાવવું પડે. હવે જ્યારે વરસાદ પડયો છે ત્યારે પાણી આપવું નહીં પડે તેવું સતીશ નાથાણી, લાલજીભાઇ?રામાણીએ જણાવ્યું હતું. આટલા થોડાક વરસાદથી નખત્રાણામાં લાઇટ?ગુલ થઇ?ગઇ હતી જે દોઢેક કલાક સુધી બંધ રહેતાં પરેશાની થઇ હતી. તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં ગરમી-બફારામાં રાહત થઇ હતી. મામલતદાર કચેરીના કંટ્રોલરૂમમાંથી મળેલા આંકડા અનુસાર બપોરે 4થી 6 દરમ્યાન 22 મિ.મી. એકાદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નખત્રાણા તાલુકાના દેવીસર વિસ્તારમાં આજે બપોરબાદ મેઘરાજાની પધરામણી વાજતે-ગાજતે થઇ હતી અને જોતજોતામાં એક ઇંચ પાલર પાણી પડતાં લોકો હરખઘેલા થયા હોવાનું ઉમર ખત્રીએ જણાવ્યું હતું. દેવીસર ગામમાં ધોળા તળાવમાં પાલર પાણી આવ્યું હતું. ભૂખી ડેમના ઉપરી વિસ્તારના ગામડા તેમજ ડુંગરાળ વિસ્તાર શ્રીકાર વરસાદ થતાં ભૂખી ડેમમાં નવા નીર આવ્યા હતા એવું દેવીસરના વેપારી અશ્વિનભાઇ આઇઆએ જણાવ્યું હતું. મોટી વિરાણીમાં પોણો ઈંચ : મોટી વિરાણી, વાઢ, સુખપર, દેવસર વિસ્તારમાં પોણો ઈંચ વરસાદ વરસતાં લોકોના મોઢે ખુશી વ્યાપી હતી. શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા. અંગિયા મોટા પંથકમાં એક ઇંચ : અંગિયા, નાગલપર વિસ્તારમાં એક ઇંચ વરસાદ, સાંગનારા પંથકમાં પણ સારા વરસાદના વાવડ અરવિંદ ઠક્કરે આપ્યા હતા.સાંયરા, આણંદપર, પલીવાડ?વિસ્તારમાં દોઢ ઇંચ : સાંયરા, પલીવાડ, મોટા યક્ષ, આણંદપર, મોરગર, વીજપાસર, જિયાપર, કુરબઇ પંથકમાં આજે બપોર બાદ આવેલી મેઘસવારી ધમાકેદાર દોઢ ઇંચ પાલર પાણી વરસાવી ગઇ હતી. શેરી-વોકળામાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. નાની બન્નીમાં અડધો ઇંચ : જત ઇભરામ ગોધડ (તલ), જત ઐયુબ લૈયારીએ નાની બન્નીના તલ, લૈયારી, છારી પંથકમાં અડધો ઇંચ વરસાદ પડયાના વાવડ આપ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer