પૂર્વ કચ્છના અલાયદા સાયબર ક્રાઇમ પોલીસ મથકનું કરાયેલું ઇ-લોકાર્પણ

પૂર્વ કચ્છના અલાયદા સાયબર ક્રાઇમ પોલીસ મથકનું કરાયેલું ઇ-લોકાર્પણ
ગાંધીધામ, તા. 18 : રાજ્યના 10 નવા સાયબર ક્રાઇમ પોલીસ મથકની સાથે પૂર્વ કચ્છના ગાંધીધામ સ્થિત નવા સાયબર ક્રાઇમ પોલીસ મથકનું આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઇ લોકાર્પણ કરી ઉદ્ઘાટન કરાયું હતું. રાજ્યના અન્ય સાયબર ક્રાઇમ પોલીસ મથકની સાથોસાથ પૂર્વ કચ્છના સાયબર ક્રાઇમ પોલીસ મથકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોર્ડર રેન્જના આઇ.જી.પી. જે.આર. મેથાલિયાએ રિબિન કાપી હતી તો પૂર્વ કચ્છના પોલીસ વડા મયૂર પાટિલે નાળિયેર વધેરી આ પોલીસ મથકનો પ્રારંભ કર્યો હતો. એસ.ઓ.જી.ના પી.આઇ. વી.પી. જાડેજાને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પી.આઇ.નો વધારાનો ચાર્જ સોંપાયો હતો. તેવી રીતે પી.એસ.આઇ. બી.કે. સંધુ, કે.એન. સોલંકી, અને એન. કે. ચૌધરીને વધારાનો ચાર્જ આપી આ પોલીસ મથકમાં મુકાયા હતા. પૂર્વ કચ્છના જુદા-જુદા પોલીસ મથકોમાંથી 16 કર્મચારીની અહીં બદલી કરવામાં આવી હતી. પૂર્વ કચ્છમાં સાયબરને  લગતા ગુના વારંવાર બનતા હોય છે. અગાઉ પાંચ લાખથી વધુની છેતરપિંડી કે સંવેદનશીલ પ્રકરણોમાં ભુજ સાયબર ક્રાઇમ પોલીસ મથક તપાસ કરતું હતું અને અરજદારોને ત્યાં જવું પડતું હતું, પરંતુ હવે પૂર્વ કચ્છમાં જ પોલીસ મથક બની જતાં લોકોને લાંબા નહીં થવું પડે અને ગુનાશોધનની કામગીરીમાં પણ ઝડપ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer