માત્ર નવ મિ.મી. વરસાદમાં ગાંધીધામમાં જળભરાવ

માત્ર નવ મિ.મી. વરસાદમાં ગાંધીધામમાં જળભરાવ
ગાંધીધામ, તા. 18 : આ શહેર અને સંકુલમાં ઋતુના પહેલા વરસાદમાં જ સરકારી તંત્રોની પોલ ખૂલી ગઈ હતી. આજે સવારથી પડેલા સત્તાવાર માત્ર 9 મિ.મી. જેટલા વરસાદમાં સુંદરપુરી, ભારતનગર, અપનાનગર જેવા રહેણાક વિસ્તારોમાં તેમજ મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા. બીજી બાજુ આ થોડાક છાંટાના કારણે વીજળીની આવનજાવન ચાલુ થઈ જતાં તંત્રોની પ્રિમોન્સૂન કામગીરીની વાતો હવામાં ઓગળી ગઈ હતી. અલબત્ત, બિનસત્તાવાર રીતે એકાદ ઈંચ પાણી પડી ગયાનું અનુમાન છે. આ શહેર અને સંકુલમાં છેલ્લા કેટલાક સમયથી બફારા અને ગરમીથી લોકો ઉકળાટ અનુભવી રહ્યા હતા. તેવામાં આજે સવારે શરૂ થયેલા વરસાદથી લોકોના હૃદય ભીંજાયા હતા. બાળકો અને મોટેરાઓએ પણ ઋતુના આ પહેલા વરસાદનો આનંદ માણ્યો હતો અને સૌ કોઈ ભીંજાયા હતા. આ વરસાદથી લોકોને બફારામાંથી રાહત મળી હતી. પરંતુ પ્રિમોન્સૂન કામગીરીની વાતો કરનારી પાલિકાની પોલ ખૂલી ગઈ હતી. વરસાદી નાળાઓની સફાઈની કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે, પરંતુ આ નાળા હજુ સાફ થયા નથી. શહેરમાં અનેક જગ્યાએ વરસાદી નાળાઓ ઉપર લોકોએ ધરાર દબાણ કરી લીધું છે. અનેક નાળા દબાઈ ગયા છે. અમુક નાળાઓમાં કચરો હજુ જેમનો તેમ પડ્યો છે. ટાગોર રોડની સમાંતર બંને બાજુના નાળા હજુ સાફ થયા નથી. ઈફકોની સામે સુંદરપુરી બાજુનું વરસાદી નાળું (સર્પાકાર) હજુ બન્યું પણ નથી. આવામાં વરસાદી પાણીને આગળ જવામાં જગ્યા ન મળતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખુદ નગરપાલિકાની કચેરી બહારના રોડ ઉપર ઘૂંટણ સમાણા પાણી ભરાતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અપનાનગર ચાર રસ્તાથી સુંદરપુરી પાણીના ટાંકા અને જ્યોત કરમ ચાર રસ્તા સુધીમાં ભારે પાણી ભરાયા હતા. અહીં પહેલેથી કૂવા જેવડા ખાડા છે જેના કારણે અનેક વાહનચાલકો ભંગાયા હોવાના દૃશ્યો પણ સર્જાયા હતા. નાળા સફાઈની કામગીરીને ત્વરિત આગળ વધારવા પણ લોકોએ માંગ કરી હતી. બીજીબાજુ આ વરસાદના પાણીથી અમુક નાળા તો એમને એમ સાફ થઈ ગયા છે છતાં પણ તેના બિલ બની જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આજે સવારથી બપોર સુધીમાં આ સંકુલમાં સત્તાવાર રીતે 9 એમ.એમ. જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ અહીં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવનું જાણકારોએ કહ્યું હતું. બીજી બાજુ આટલા છાંટામાં વીજળીની આવનજાવન ચાલુ થઈ જતાં લોકો પાછા બફારામાં શેકાયા હતા અને વીજતંત્રની પ્રિમોન્સૂનની કામગીરી પણ એળે ગઈ હોવાના આક્ષેપ કરાયા હતા. અપનાનગર તથા આસપાસના અન્ય વિસ્તારોમાં તો બેથી ત્રણ કલાક વીજ પુરવઠો ઠપ રહ્યો હતો. વરસાદને પગલે શહેરમાં કોઈ મુશ્કેલી નથીને તે જોવાની એની જવાબદારી છે તે પાલિકામાં આજે સામાન્ય સભા હોવાથી તમામ નગરસેવક, નવા વરાયેલા ચેરમેનો હાજર હતા અને ત્યારે જ વરસાદ થયો, પરંતુ સભા પતાવીને સૌ ઘરભેગા થયા હતા. કોઈએ શહેરની સ્થિતિ જોવાનો વિવેક પણ દાખવ્યો નહોતો. જો આજે એકાદ લટાર આ પ્રજાવત્સલ મનાતા સભ્યોએ મારી હોત તો ચોમાસા પહેલાંની અધૂરાશ સામે આવી જાત એવી ચર્ચા થઈ રહી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer