ગાંધીધામ પાલિકાની 12 સમિતિ, અધ્યક્ષોની વરણી : કેટલાક નગરસેવકોમાં છે નારાજગી

ગાંધીધામ પાલિકાની 12 સમિતિ, અધ્યક્ષોની વરણી : કેટલાક નગરસેવકોમાં છે નારાજગી
ગાંધીધામ, તા. 18 : અહીંની નગરપાલિકામાં લાંબા સમય બાદ જુદી જુદી સમિતિઓના સભ્યો અને ચેરમેનની વિધિવત્રીતે વરણી કરવામાં આવી હતી. 12 સમિતિઓમાં અમુક નગરસેવકોની નારાજગી વચ્ચે ચેરમેનોની વરણી કરાઇ હતી. અહીંની નગરપાલિકામાં આજે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમ્યાન કોનાં નામ જાહેર થાય છે અને કોણ બાજી મારી જાય છે  તેના ઉપર સૌની મીટ મંડાયેલી હતી. આ સભા દરમ્યાન કારોબારી  સમિતિમાં 12, લો સમિતિ, ગાર્ડન, સેનિટેશન, ટાઉન પ્લાનિંગ, ફાયર એન્ડ લાઇટિંગ, પબ્લિક વર્કસ, ટેક્ષેશન, લાયબ્રેરી, એસ્ટાબ્લિશમેન્ટમાં 9 તથા સોશિયલ વેલ્ફેર સમિતિમાં 8 સભ્યો લેવામાં આવ્યા હતા. આ બેઠકની પ્રક્રિયા આગળ વધે તે પહેલાં વિરોધ પક્ષના નગરસેવક સમિપ જોશીએ વિરોધ દર્શાવ્યો હતો અને સમિતિઓના ચેરમેનોનો સમયગાળો અઢી વર્ષનો કરાયો છે. તે પહેલાં અહીંની પાલિકાના નિયમ મુજબ 1 વર્ષનો હતો, પરંતુ કાયદો બન્યા બાદ પાલિકાએ તેના નિયમમાં ફેરફાર કરી આ કાયદાને સ્વીકાર્યો છે કે કેમ તેવા પ્રશ્નો કર્યા હતા. જો કે, રાક્ષસી બહુમતી દરાવતા સત્તાપક્ષે આ પ્રશ્નને વધારે ગણકાર્યા વગર પોતાની બેઠક આગળ વધારી હતી. દરમ્યાન, કોંગ્રેસી કાઉન્સિલર જયશ્રીબેન ચાવડાએ સુંદરપુરી, ગણેશનગર, રોટરી નગર વગેરે વિસ્તારોમાં પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમુક નગરસેવકોના કચવાટ વચ્ચે જુદી જુદી સમિતિઓના ચેરમેનની વિધિવત્રીતે વરણી કરવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિમાં ચેરમેન તરીકે પુનિત એચ. દુધરેજિયા, લો સમિતિમાં રામભાઇ એચ. માતંગ, ગાર્ડન સમિતિમાં દિવ્યાબેન જે. નાથાણી, સેનિટેશન સમિતિમાં કમલભાઇ બી. શર્માને રિપીટ કરાયા હતા. ટાઉન પ્લાનિંગ સમિતિમાં એ. કે. સિંઘ, ફાયર એન્ડ લાઇટિંગ સમિતિમાં મહેશભાઇ પી. ગઢવી, પબ્લિક વર્ક્સ સમિતિમાં તારાચંદ એમ. ચંદનાણી, ટેક્ષેશન સમિતિમાં મનોજ ટી. મુલચંદાણી, લાયબ્રેરી સમિતિમાં મનિષાબેન પી. પટેલ, પાણી સમિતિમાં સંજયભાઇ જી. ગર્ગ, એસ્ટાબ્લિશમેન્ટ સમિતિમાં  ભરતભાઇ વી. પ્રજાપતિ, સોશિયલ વેલ્ફેર સમિતિમાં ગેલાભાઇ?એન. ભરવાડની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. સત્તાપક્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50 ટકા મહિલાઓ માટે બેઠક અનામત રાખી છે, પરંતુ આજે થયેલી 12 સમિતિઓમાં માત્ર બે જ મહિલાઓને ચેરમેન બનાવીને સત્તાપક્ષે ત્રી સશકિતકરણની હાંસી ઉડાવી છે. સત્તાપક્ષની કથની અને કરણીમાં મોટો તફાવત હોવાનો આક્ષેપ સમિપભાઇ જોશીએ  કર્યો હતો. આ વરણીઓમાં પછાતવર્ગને પણ અન્યાય કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. આજે થયેલી આ વરણી બાદ પણ સત્તાપક્ષના અમુક નગરસેવકોમાં  કચવાટ જોવા મળ્યો હતો. આ વરણીઓમાં વિધાનસભા કક્ષાના રાજકીય નેતાનું પલડું નમતું દેખાયું હોવાનો ગણગણાટ પણ સાંભળવા મળ્યો હતો. આ બેઠકમાં પાલિકા પ્રમુખ ઇશિતાબેન ટીલવાણી, ઉપપ્રમુખ બળવંતભાઇ ઠક્કર, ભુજ પાલિકા મુખ્ય અધિકારી મનોજ સોલંકી તેમજ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભાજપના જિલ્લાના અગ્રણી અનિરુદ્ધ દવે, પૂર્વ પ્રમુખ સુરેશ શાહ, ખાદી બોર્ડના ડાયરેક્ટર મોમાયાભા ગઢવી વગેરે પણ હાજર રહ્યા હતા.શહેરના ટાઉનહોલ ખાતે આ વરણીઓ બાદ વરાયેલા હોદ્દેદારો અને અગ્રણીઓ બહાર આવી ફોટો પડાવી રહ્યા હતા, ત્યારે અચાનક વરસાદ આવતાં કોઇએ મેઘો રાજી થયો હોવાનું જણાવ્યું હતું. તો કોઇએ આ વરણીથી મેઘો પણ રડી પડયો હોવાની ટીખળ કરી હતી. તેમજ ફોટો પડાવતી વખતે આ રાજકીય અગ્રણીઓ વચ્ચે ક્યાંય અંતર જળવાયું ન હતું. સામાજિક અંતરના ધજાગરા ઉડયા હતા, ત્યારે કોરોના હજુ ગયો નથી તેવી રમૂજ પણ કરાઇ હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer