વરસાદી માહોલ વચ્ચે 4.2ની તીવ્રતાનો ભૂકંપ

ભુજ, તા. 18 : જિલ્લામાં બે દિવસથી છવાયેલા વરસાદી માહોલ વચ્ચે 2001ના વિનાશકારી આંચકાના બે દાયકા બાદ સક્રિય અવસ્થામાં રહેલી વાગડ?ફોલ્ટમાં ભૂસ્તરીય સળવળાટ વેગીલો બન્યો હોય તેમ શુક્રવારે બપોરના અરસામાં રિખ્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા ધરાવતા આંચકાએ ધરતીને ધણધણાવતાં ક્ષણિક સમય માટે ગભરાટ ફેલાયો હતો. મધ્યમ કક્ષાના ગણી શકાય તેવા આ આંચકાની અસર ભચાઉ, રાપર, ગાંધીધામ, અંજાર અને ભુજ સુધી અનુભવાઇ હતી. કેટલાક વિસ્તારોમાં તો કંપનના લીધે લોકો ઘરની બહારે દોડી આવ્યા હતા. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી મળેલી માહિતી અનુસાર બપોરે પોણા ચાર વાગ્યે અનુભવાયેલા આ કંપનનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર વામકા ગામ પાસે નોંધાયું હતું. વરસાદી માહોલ વચ્ચે બપોરના સમયે એકાએક ધરતી ધ્રૂજવા લાગતાં જ્યાં આંચકાની અસર વધુ પ્રમાણમાં વર્તાઇ ત્યાં 2001ના વિનાશકારી ભૂકંપની કડવી યાદો પણ માનસપટલ પર અંકિત થઇ હતી. 4.2ની તીવ્રતાના આંચકા ઉપરાંત પરોઢિયે સાડા ત્રણ વાગ્યે ખાવડા નજીક રિખ્ટર સ્કેલ પર 2.3ની તીવ્રતા ધરાવતું અન્ય એક હળવું કંપન અનુભવાયું હતું. કચ્છની વાત કરીએ તો ગયા જૂન માસમાં 5.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયા બાદ એક વર્ષના આ સમયગાળામાં ચારથી વધુની તીવ્રતાના 9 કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયા છે. તો આજે અનુભવાયેલા 4.2ની તીવ્રતાના આંચકા પૂર્વે છેલ્લે 7 જાન્યુઆરીના ભચાઉ નજીક રિખ્ટર સ્કેલ પર 4 તો એ પૂર્વે 30 ડિસેમ્બરના ખાવડા નજીક 4.3ની તીવ્રતાના અનુભવાયેલા આંચકાએ ગભરાટ ફેલાવ્યો હતો.કચ્છમાં અને તેમાંય ખાસ કરીને વાગડ ફોલ્ટમાં સમયાંતરે આ પ્રકારના કંપનો અનુભવવાનો સિલસિલો યથાવત્ રહેતાં ભૂગર્ભ ઊર્જા વિસર્જિત થઇ રહી હોવાથી નજીકના ભવિષ્યમાં મોટા ભૂકંપ આવવાની સંભાવના ઘટતી હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરી ચૂક્યા છે. - ચોમાસાંમાં વધુ તીવ્રતાના કંપનનો અનુભવ અસામાન્ય: વામકા સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓઇ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના ભૂકંપ માપન કેન્દ્રના લેબ આસિસ્ટન્ટ જયેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, કચ્છમાં વધુ તીવ્રતાના આંચકા અનુભવવા એ સામાન્ય બાબત છે, પણ ચોમાસામાં 4 કે તેથી વધુ તીવ્રતાના કંપન અનુભવવા અસામાન્ય બાબત ગણી શકાય. ત્યારે ભૂસ્તરશાત્રીઓએ આ દિશામાં સંશોધન કરવું જોઇએ તે અનિવાર્ય બની જાય છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer