કોરોના સંક્રમણમાં ઉતાર-ચડાવ જારી

ભુજ, તા. 18 : કચ્છમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે કોરોના સંક્રમણમાં ઉતાર-ચડાવનો દોર જારી રહ્યો છે. ગુરુવારે આઠ કેસ નોંધાયા બાદ શુક્રવારે એકના ઘટાડા સાથે ચાર તાલુકામાં સાત કોરોના સંક્રમિતો વધ્યા તેની સામે 29 દર્દીઓ સાજા થયા હતા. છ તાલુકામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. સક્રિય કેસ ઘટીને 213 પર પહોંચતાં રિકવરી રેટ વધીને 98 ટકાની નજીક પહોંચ્યો છે. જિલ્લા મથક ભુજ, અબડાસા, ભચાઉમાં 2-2 અને ગાંધીધામમાં 1 મળી 7 કેસ સામે અબડાસામાં 6, અંજાર, ભુજ અને માંડવીમાં 4-4, ગાંધીધામ-લખપતમાં 2-2 મળી 29 દર્દીઓએ મહામારીને મહાત આપી હતી. મૃતાંક 282ના આંક પર સ્થિર રહ્યો હતો. કુલ પોઝિટિવ કેસનો આંક 12,543 અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12,218 પર પહોંચી છે. જૂન માસમાં સંક્રમણનો વ્યાપ સદંતર ઘટી ગયો હોય તેમ જેટલા નવા કેસ નોંધાયા તેના કરતાં લગભગ બાર ગણા દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 18 દિવસના ગાળામાં સત્તાવાર રીતે છ લોકોના મોત નિપજ્યા છે.જિલ્લામાં 18થી 44 વર્ષના 4241 અને 45 વર્ષથી વધુમાં 1239 મળી અત્યાર સુધી કુલ 3.71 લાખ લોકોને કોરોના પ્રતિકાત્મક રસી આપવામાં આવી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer