જંગડિયાએ ગૌસેવાના પૈસાની ભાગબટાઈ કરી ?

નલિયા (તા. અબડાસા), તા. 18 : અબડાસાના જંગડિયા ગામે પવનચક્કીની કંપનીએ ગૌસેવા અને ગામવિકાસ માટે પ્રથમ હપ્તાની રૂા. નવ લાખ જેવી રકમ આપતાં આ રકમ મૂળ હેતુસર વાપરવાના બદલે ઘરદીઠ રૂા. પાંચ-પાંચ હજાર વહેંચી લેતાં હવે કેટલાક લોકોએ તેનો ગણગણાટ શરૂ કર્યો છે. આ પ્રશ્ને હવે કાયદાકીય શરણું લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિન્ડફાર્મ ક્ષેત્રે કાર્યરત સુઝલોન કંપની નવ પવનચક્કી નાખવાના હેતુસર ગ્રામજનોનો સંપર્ક કર્યો તો ગૌસેવા અને ગામવિકાસ માટે ગામને આર્થિક સહયોગ આપવા સંબંધિત કંપનીના અધિકારીઓને જણાવતાં પ્રત્યેક પવનચક્કી દીઠ 7.5 લાખનું યોગદાન આપવાનું નક્કી થયું, જેના પ્રથમ તબક્કે રૂા. નવ લાખનો ચેક મળતાં આ રકમ ગ્રામ પંચાયતના ખાતામાં જમા કરવાને બદલે ગ્રામજનોએ ગ્રામ વિકાસ સમિતિ રચી આ રકમ સમિતિના ખાતામાં જમા કરાવી તગડી રકમ મળતાં આ રકમ ગ્રામજનોનાં ગજવાંમાં કેમ આવે તેની સમિતિએ ફોર્મ્યુલા ઘડી કાઢી. 400ની વસતીવાળા જંગડિયા ગામે 139 પરિવારો પ્રત્યેક પરિવારને રૂા. પાંચ હજારની પેશગી અપાઈ. આ રીતે સાતેક લાખ તો ગ્રામજનોનાં ગજવાંમાં સરી ગયા. એકાદ લાખ ગાયમાતા માટે પણ ફાળવાયા. માતાના પુત્રો તો ખાય ને ! અને વળી ગ્રામ વિકાસની વાત તો બાજુએ રહી એ હકીકત છે. ગામડાંના લોકો સામાન્ય રીતે અભણ અને નિખાલસ હોય છે પણ પૈસા તો બધાને જોઈએ. આમ તો હજી જંગડિયામાં ચારેક પવનચક્કી કુલ 13 પવનચક્કી કાર્યરત થશે. પ્રત્યેકના રૂા. 7.5 લાખનો ભાવ ગણતાં આ રકમ એકાદ કરોડની આસપાસ થવા જશે. પહેલાં ગજવાંના વિકાસને અગ્રતા અપાતાં તે પછી ગ્રામ વિકાસ ક્યાંથી થાય ? તેવો સવાલ એ ગામના જ કેટલાક જાગૃતો પૂછી રહ્યા છે. આ અંગે સરપંચપતિ મુબારક અભુ ખલીફા અને જાગૃત ગ્રામજન રણજિતસિંહ હેમુભા જાડેજાએ આ ગ્રામજનોએ પોતે રકમથી અડગા રહ્યા, અલબત્ત ક્ષત્રિય સમાજના 29 ઘરોની રકમ સમાજને અપાઈ હોવાનું આ અગ્રણીઓએ જણાવ્યું હતું. જો કે, જંગડિયાના વતની એવા બહાર ગામ વસતાને આ પેશગી નસીબ નથી થઈ જેથી તેઓ ગિન્નાયા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer