કચ્છી મેમણ સોસાયટી માટે રૂા. 20 લાખની રકમ જાહેર

માંડવી, તા. 18 : કચ્છી મેમણ ફ્રેન્ડસ સોસાયટીના પ્રમુખ ભાગીવાલા ઝાકીરહુસેન હારૂન ચૂંટણીમાં વિજય થતાં જમાતના પ્રમુખ હાજી અબ્દુલરજાક વાડીવાલાના પ્રમુખપદે અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં વ્યક્તિવિશેષ તરીકે હાજી ઈકબાલ (પ્રમુખ) કચ્છી મેમણ ફેડરેશન ઉપસ્થિત રહ્યા હતા. મેમણ મસ્જિદના મુફ્તી ઈમરાને શરૂઆત કરાવી હતી. જ્યારે સૈયદ ગુલામમુસ્તફાએ મુફ્તી-એ-કચ્છ અહમદશા બાવા, હાજી અનવરશા બાવા તથા કોરોનાથી અવસાન પામેલા લોકો માટે ખિરાજે અકીદત કરી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તકેદારી રાખવાના ભાગરૂપે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવા સાથે રસી લગાવવાની અપીલ કરવામાં આવી હતી. પ્રમુખનુ સન્માન હાજી અહમદ તાલભાણી તથા અબ્દુલ હમીદ લાખાણી દ્વારા કરવામાં આવ્યું હતું. સોસાયટીના પ્રમુખ, સમિતિના સભ્યોને સમારોહના પ્રમુખ દ્વારા સોસાયટીનું સિમ્બોલ પહેરાવીને પદગ્રહણ કરાવ્યું હતું.  જમાતમાં પ્રથમવાર યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણીની કામગીરી પાર પાડનાર ચૂંટણીપંચના સભ્યોને મુંબઈથી આવેલ અબ્બાસ પાણીવારા  દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સોસાયટી સંચાલિત બચત યોજનાના સભ્યોને વધુ ધિરાણ મળી રહે એ હેતુથી ધિરાણ પેટે રકમ મર્યાદિત સમયગાળા માટે ઉપસ્થિત દાતાઓને અપીલ કરવામાં આવતાં રૂા.20,00,000ની માતબર રકમ દાતાઓ તરફથી જાહેર કરવામાં આવી હતી. દાતાઓ પૈકી હાજીઓસમાણગની તાલભાણી, અબ્દુલહમીદ તારવાલા, હાજીઅલીમોહંમદ તારવાલા, હાજીઓસમાણગની લાખાણી તથા નુરુલઅમીન ગીનીવારાનું પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન હાજીઅબ્દુલકરીમ લાખાણીએ કર્યું હતું. હાજી રહીમ રાજપુરિયા, અબ્દુલ કાદર હાજીરમજાન તથા મોહંમદરફીક સચવાણીએ સહયોગ આપ્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer