કોરોનાની કપરી સ્થિતિમાં ભુજની સંસ્થાઓ દ્વારા સેવાકાર્ય કરાયું

ભુજ, તા. 18 : કોરોનાની કપરી સ્થિતિમાં ભુજની સંસ્થાઓ દ્વારા જરૂરત મંદોની સેવા કરાઇ હતી. ભુજ શહેરની માજી હોમગાર્ડઝ સંસ્થા પરિવાર અને નાગરિક સ્વયંસેવકો દ્વારા કોરોનામાં હાથ ન લંબાવી શકનાર પરિવારને રાશન-કપડાં-અલ્પાહાર અને જરૂરિયાતમંદ 21 વ્યક્તિને દવાઓનું વિતરણ કરાયું હતું. સંસ્થાના સલાહકાર અને પૂર્વ કમાન્ડન્ટ જગદીશભાઇ મહેતા, વિશ્રામભાઇ બારોટ, સ્વ. હિના અંતાણી, નર્મદાબેન ગામોટ, ઇસ્માઇલભાઇ જુણેજા અન્ય વ્યક્તિઓના સહકારથી આ કાર્ય કરાયું હતું. જેમાં અંદાજે રૂા. 7500ની દવા અપાઇ હતી. આ કાર્યમાં કિશોરભાઇ મચ્છર, વિભાકર અંતાણી, વિશ્રામભાઇ બારોટ, નરેન્દ્રભાઇ ગોહિલ વિ.ના હસ્તે ઘેર-ઘેર જઇ દવા અપાઇ હતી. એક વ્યક્તિને તો દર મહિને અંદાજે 1500ની દવા તેમજ મેડિકલ સારવાર માટે આ સંસ્થા દાતા દ્વારા સહકાર આપે છે. કોરોનાના પ્રથમ દિવસથી સેવા કરતી ભુજ હાટકેશ સેવા મંડળને રાજકોટના એલ.આઇ.સી.ના નિવૃત્ત હાલે ગાંધીધામ નિવાસી શકુંતલા કે. બૂચ તરફથી હાથ ન લંબાવી શકનાર નાગર પરિવારને રાશનકિટ માટે રૂા. 5000નું દાન અપાયું હતું. દાતાનો સંસ્થાના મોવડી વિભાકરભાઇ અંતાણીએ આભાર માન્યો હતો તેવું સંસ્થાના ઇલાબેન છાયા અને ભૈરવીબેન વૈદ્યે જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer