બીજા વરસેય `મદિનાવાળા''ને સલામ નહીં પહોંચે...

ભુજ, તા. 16 : કોરોના મહામારીને પગલે સાઉદી અરેબિયાની સરકારે હજ યાત્રા પર પાબંદી લગાડી હોવાથી સતત બીજા વરસે પણ કચ્છમાંથી પવિત્ર યાત્રાએ જવા ઇચ્છતા બિરાદરોમાં નિરાશા જોવા મળી છે. દર વરસે અંદાજે આઠસો જેટલા મુસ્લિમ બિરાદરો મક્કા-મદિના જતા હોય છે, જે બીજા વરસે પણ નહીં  જઇ? શકે  તેવું  જાણવા   મળ્યું છે. હજ કરવા જતા ભાઇઓને રેલવે સ્ટેશનેથી વિદાય આપવા પણ મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ કે હિતેચ્છુઓ આવતા હોય છે. આ સમુદાયમાં ઘણા એવા લોકો હોય છે કે પોતે ભલે હજ કરવા પહોંચી શકતા નથી એટલે યાત્રાએ જનારાને `મદિનાવાળાને મારા સલામ કહેશો' એમ કહીને વિદાય આપતા હોય છે.ઇસ્લામમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિએ પોતાની હકની કમાણી કરી હોય એ જ હજ કરી શકે, તેને જ પવિત્ર માનવામાં આવે છે. આ વાતને ખુદ કચ્છમાં હજ કમિટીના પ્રતિનિધિ અબ્દુલસતાર ખત્રીએ જણાવ્યું હતું.અંજાર સ્થિત શ્રી ખત્રીએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, પોતે વરસોથી હજ કમિટી વતીથી કચ્છમાં કામ કરે છે, પરંતુ આ કોરોના થકી બે વર્ષથી કોઇ પણ વ્યક્તિને મંજૂરી કચ્છમાં મળી નથી.તેમણે વધુ માહિતી આપતાં કહ્યું કે, આ વખતે સાઉદી સરકારે એવી જાહેરાત કરી છે કે કોવિડની માર્ગદર્શિકા પ્રમાણે માત્ર?60 હજાર લોકોને જ  પ્રવેશ આપવામાં આવશે અને આ 60 હજાર લોકો સાઉદીના જ હશે. વિશ્વમાંથી અન્ય કોઇ દેશના વ્યક્તિને પરવાનગી આપવામાં નહીં આવે.કચ્છમાંથી દર વરસે કેટલા બિરાદરો યાત્રાએ જતા હોય છે એ સવાલ સામે તેમણે જણાવ્યું હતું કે, ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવતી હોવાથી હજ કમિટી વતીથી 500 અને ખાનગી ટૂર ઓપરેટર મારફતે 300 એમ અંદાજે 800 જેટલા  યાત્રિકો કચ્છમાંથી જતા હોય છે. એક વ્યક્તિદીઠ અંદાજે અઢી લાખનો ખર્ચ થાય છે. એક વખત નોંધણી થયા પછી નક્કી થયેલી તારીખો પ્રમાણે 17 જુલાઇથી યાત્રાનું આયોજન ગોઠવાય છે. કચ્છમાંથી અમદાવાદ એરપોર્ટ પરથી હવાઇમાર્ગે સાઉદીના જીદા શહેરમાં પહોંચ્યા પછી ત્યાંથી બસ મારફતે મક્કા  લઇ? જવામાં  આવે છે. ત્યાં રહેવા-જમવા સહિતની વ્યવસ્થા ત્યાંની સરકાર દ્વારા કરવામાં આવે છે. દર વરસે વિશ્વભરમાંથી લાખો યાત્રિકો આવતા હોવાનું તેમણે જણાવ્યું હતું. ઇસ્લામ ધર્મમાં મક્કાની યાત્રાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને તેમણે પ્રકાશ પાડયો કે એવા પાંચ દિવસ નક્કી કરાયેલા હોય છે, જો આ પાંચ દિવસમાં ઇબાદત કરવા મળે તેને હજ નસીબ થાય છે. હાજીનું સન્માન પણ મળે છે, બાકીને ઉમરા યાત્રા કહેવામાં આવે છે. કોઇ વ્યક્તિ પાસે પૈસા ન હોય ને દાતા જો આગળ?આવીને હજ મોકલે તો એ સવાલ સામે તેમણે જણાવ્યું કે, પૈસાદાર વ્યક્તિ જો પોતાના સ્વજનની યાદમાં એવી નેક વ્યક્તિ હોય અને ગરીબ હોય તેની પાસે એટલી રકમ નથી કે એ યાત્રા કરી શકે પણ દાતા તેની પસંદગી કરીને યાત્રા કરાવે તો તેને પણ પવિત્ર માનવામાં આવે છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer