રોજગાર કચેરીમાં નામ નોંધણી માટે ધસારો વધશે

ભુજ, તા. 16 : કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના પગલે રાજ્ય સરકારે ધોરણ-10 અને 12ની પરીક્ષા ન લેવાનો નિર્ણય કરી રેગ્યુલર પરીક્ષાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના પગલે શાળા-કોલેજમાં પ્રવેશને લઇ વિવિધ પ્રકારના પ્રશ્નો-સમસ્યાનું સર્જન થયું છે. શાળા-કોલેજમાં નવા વર્ગો ઊભા કરવાની કવાયત હાથ?ધરાઇ છે તેવામાં જિલ્લા રોજગાર કચેરીમાં પણ દર વર્ષની તુલનાએ આ સાલે રોજગારવાંછુ યુવકોની નામનોંધણીનું પ્રમાણ વધશે તેવી?શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. એક અંદાજ અનુસાર નામ નોંધણીનું પ્રમાણ અગાઉની તુલનાએ બમણું થાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.જિલ્લા રોજગાર અધિકારી મહેશ પાલાએ વિગતો આપતાં કહ્યું કે, બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર તયા બાદ રોજગાર કચેરીમાં રોજગાર મેળવવા ઇચ્છુકો એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવી પોતાની નામ નોંધણી કરાવતા હોય છે.દર વર્ષ રોજગાર કચેરીમાં આ સમયગાળામાં ચારથી પાંચ હજાર રોજગારવાંછુઓની નામ નોંધણી કરાતી હોય છે. જો કે, આ વર્ષે 10 અને 12મા ધોરણના છાત્રોને કોરોનાની સ્થિતિના લીધે માસ પ્રમોશન અપાતાં આ આંકડો વધીને બમણો થાય તેવી શક્યતાઓને નકારાતી નથી. પરિણામની સત્તાવાર જાહેરાત બાદ માર્કશીટ મળી ગયા પછી રોજગાર કચેરીમાં નામ નોંધણીથી કામગીરીનો ધમધમાટ આગળ ધપશે. નોંધનીય એ પણ છે કે કોરોનાની બીજી લહેરમાં ઔદ્યોગિક એકમો બંધ થતાં પરપ્રાંતીય શ્રમિકોની વતન વાપસી શરૂ થઇ હતી.તો કોરોનાકાળમાં યોજાતા વર્ચ્યુઅલ ભરતી મેળાય છેલ્લા કેટલાક મહિનાથી આયોજિત કરી શકાયા નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer