ગયા વરસે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સર્પદંશના 189 કેસમાં સફળ સારવાર કરાઇ

ભુજ, તા. 16 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં વિતેલા એક વર્ષ દરમિયાન કચ્છ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી સરેરાશ પ્રતિ બીજા દિવસે એક સર્પદંશના કેસની સારવાર આપવામાં આવી હોવાનું હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સર્પદંશના મામલા સાથે જ કોઈ પણ કેસ ઇમરજન્સીમાં ફેરવાઇ જાય છે એટલે મોટા ભાગે ઈમરજન્સી સારવાર જ આપવામાં આવે છે. એ પ્રકારે ગયા વર્ષે 12 મહિનામાં કુલ 189 કેસો સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં મહિલા-પુરુષ ઉપરાંત બે વર્ષના એક માસૂમ બાળકને પણ એરુ આભડી ગયો હતો. સામાન્ય રીતે આવા કેસ મેથી ઓક્ટો. સુધી ખાસ જોવા મળે છે. તેમાંય જૂન પછી  તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. જૂનથી ઓક્ટો. સુધી વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધુ હોતાં સર્પદંશનું પ્રમાણ વધુ જોવા મળે છે. ગયા ઓક્ટો. 2020માં એક જ માસમાં કુલ 42 કેસ જોવા મળ્યા હતા. સરેરાશ ડિસેમ્બરથી એપ્રિલ મહિના સુધી આ બાબતે રાહત જોવા મળી હતી.તબીબોએ સર્પદંશના મામલામાં જણાવ્યું હતું કે, કોઈ ઘરેલુ સારવાર કે અંધશ્રદ્ધામાં જોતરાવવાને બદલે તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક સાધવો જોઈએ. દરેક સાપ ઝેરી નથી હોતા, છતાં ગંભીરતા તો લેવી જ જોઈએ. ઘણીવાર હાનિરહિત સર્પ કરડવાથી દુષ્પરિણામ આવી શકે છે. ક્યારેક સર્પદંશના કિસ્સામાં પેટદર્દ અને ઊલટી થાય છે, ત્યારે કેટલીકવાર પેટના ઘરગથ્થુ ઈલાજ કરાય છે. આવું કરવાને બદલે હોસ્પિટલ જવું જોઈએ. સર્પદંશના લક્ષણો અંગે તબીબોએ કહ્યું કે, કરડવાના સ્થાને ખૂબ દર્દ, એ સ્થાને સોજો આવવો, એ સ્થળની આસપાસ ક્યારેક ચામડીનો રંગ બદલાઈ જવો, દર્દીને ઊંઘ આવવા લાગે અને ઘણીવાર ચક્કર, માથાનો દુ:ખાવો પણ થાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer