ગાંધીધામ પાલિકાને શહેરી બસ સેવા શરૂ કરવા એપ્રિલમાં જણાવાયું, પણ કંઇ ન થયું

ગાંધીધામ, તા. 16 : ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધનાણીએ ગાંધીધામના વિવિધ પ્રશ્ને રાજ્યસ્તરે  રજૂઆત કરતાં તેનો પડઘો પડયો હતો અને ગુજરાત શહેરી વિકાસ મિશને ગાંધીધામ નગરપાલિકાને ગત એપ્રિલ મહિને શહેરી બસ પરિવહન યોજના તળે ગાંધીધામમાં શહેરી બસ સેવા શરૂ કરવા અંગે દરખાસ્ત  મોકલવા જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી તે દિશામાં કંઇ ન થયું હોવાનું સમજાય છે.શહેરી વિકાસ મિશનના અધિક્ષક ઇજનેર અને નાયબ જનરલ મેનેજર (ટેક)એ ગાંધીધામ પાલિકાના મુખ્ય અધિકારીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધનાણીની પાલિકા વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત અન્વયે શહેરી બસ સેવા શરૂ કરવાની રજૂઆતનો સમાવેશ થાય છે.રાજ્ય સરકાર દ્વારા શહેરોમાં વધતી જતી વસતી તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઉપરના  ભારણને લઇને  રાજ્યના 30 શહેરો (આઠ મહાનગરપાલિકા અને 22 અ વર્ગની નગરપાલિકા)માં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ અસરકારક અને સઘન બનાવવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા (સીએમયુબીએસ) શરૂ કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા કરેલા સુધારા મુજબ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ કિ.મી. રૂા. 12.50ની મર્યાદામાં અનુદાનની રકમ આપવાની રહેશે. આ સુધારા સાથે વિભાગ દ્વારા શહેરોને મળવાપાત્ર બસની સૂચિ પણ આપવામાં આવી છે. જે મુજબ ગાંધીધામ પાલિકાને  32 બસનું અનુદાન મળવાપાત્ર છે. આથી શહેરી બસના સંચાલન માટેની દરખાસ્ત શહેરી વિકાસ વિભાગને મોકલી આપવા 7મી એપ્રિલના આ પત્રમાં જણાવાયું છે. અગાઉ ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ સંજયભાઇ ગાંધીએ વિરોધ પક્ષના નેતા પરેશભાઇને ગાંધીધામ-કંડલા સંકુલના અનેક વણઉકેલ પ્રશ્નોને લઇને પત્ર પાઠવ્યો હતો. સિટી બસ સેવા ઉપરાંત મહાનગરપાલિકાનો દરજ્જો આપવા, પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ કરવા, વિશ્વ બેન્ક સહાયથી વીજળીના ભૂગર્ભ કેબલ પાથરવાની અટકી પડેલી યોજના વગેરે મુદ્દે વિપક્ષી નેતાએ સંબંધિત વિભાગોને પત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહીનો અનુરોધ કર્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer