મોટી ચીરઈ પાસે ટ્રકમાંથી 41.74 લાખનો દારૂ ઝડપાયો

મોટી ચીરઈ પાસે  ટ્રકમાંથી  41.74 લાખનો દારૂ ઝડપાયો
ગાંધીધામ, તા. 10 : ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર નવી મોટી ચીરઈ ગામ નજીકથી પૂર્વ કચ્છ ગુનાશોધક શાખાની પોલીસ ટીમે દરોડો પાડી કન્ટેનર પ્રકારની ટ્રકમાંથી  41.74 લાખની કિંમતના અંગ્રેજી શરાબ સાથે એક આરોપીની  ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં  બે શખ્સોની નામજોગ સંડોવણી સપાટી ઉપર આવી હતી. અલબત્ત આ આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા હતા. ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ ઉપરથી  દારૂનો જથ્થો ભરેલી  ટ્રક  પસાર થવાની ચોક્કસ પૂર્વ બાતમીના આધારે  એલ.સી.બી. પોલીસે અંગ્રેજી દારૂ ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઈ  ગામ  સામે આવેલા ઓવરબ્રિજ પાસે કન્ટેનર ટાઈપની બંધ બોડીની ટ્રકને રોકાવી તેમાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસે  આ વાહનમાંથી વિદેશી દારૂની 75 એમ.એલ.ની રોક સ્ટાર ડીલક્ષ  વ્હિસ્કીની બોટલ નં. 11,928 પકડી પાડી હતી. પકડાયેલા આ દારૂના  જથ્થાની કિંમત રૂા. 41,74,800 આંકવામાં આવીહતી.આ ઉપરાંત પોલીસે અત્રેથી 15 લાખની કિંમતની ટ્રક નં. યુ.પી. 21 બી.એન. 8519, એક મોબાઈલ ફોન કિં. રૂા. 5 હજાર, રોકડા રૂા. 810 સહિત કુલ રૂા. 56,80,610નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.આ કાર્યવાહીમાં પોલીસે  ઉત્તરપ્રદેશના સદામ હુસેન મોહમદ અહેસાન તુર્ક (મુસ્લિમ)ની  ધરપકડ કરી હતી. તેમજ આરોપી બીન્યામીન આલમ અન્સારઅલી તુર્ક, સલામન નામનો  શખ્સ તથા અંગેજી દારૂનો જથ્થો મંગાવનારા  આરોપીની સંડોવણી  પ્રકાશમાં આવી હતી. આ ગુનામાં સામેલ આરોપીઓ  પોલીસના હાથમાં આવ્યા ન હતા.જિલ્લામાં ગેરકાયદેસર એવા દારૂની હેરફેર સંદર્ભે પોલીસે સમયાંતરે કાર્યવાહી કરી છે. પોલીસને વધુ એક વખત નોંધપાત્ર રકમનો દારૂનો જથ્થો પકડવામાં સફળતા મળી  હતી.  આટલી મોટી માત્રામાં પકડાયેલો દારૂનો જથ્થો કોનો હતો ? અને કયાં આવ્યો ?, કોને પહોંચાડવાનો હતો ? આ પ્રકરણમાં અન્ય કોઈ શખ્સો સામેલ  છે કે નહીં - સહિતની દિશામાં   એલ.સી.બી. પોલીસે  તપાસ આરંભી છે.આ કામગીરીમાં રેન્જ વડા જે.આર. મોથાલિયા અને પૂર્વ કચ્છ પોલીસવડા મયૂર પાટિલનાં માર્ગદર્શન તળે એલ.સી.બી. પી.આઈ. સુમિત દેસાઈ, પી.એસ.આઈ. બી.જે. જોષી સાથે સ્ટાફગણ જોડાયો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer