રોહા સુમરીની મોરવીડીમાંથી એક વધુ મોરને વીજળી ભરખી ગઇ

રોહા સુમરીની મોરવીડીમાંથી એક વધુ મોરને વીજળી ભરખી ગઇ
નખત્રાણા, તા. 10 : તાલુકાનાં રોહા સુમરી ગામે ગુરુવારે વહેલી સવારે મોરની વસાહત (મોરવીડી) પાસે પી.જી.વી.સી.એલ. જીવતા વીજ વાયરોના સંપર્કમાં આવતાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ થતાં ગામમાં અરેરાટી સાથે રોષની લાગણી ફેલાઇ હતી. એટલું જ ગત તા. 13/5થી 10/6 સુધી એક મહિનાના ટૂંકા ગાળામાં નવેક જેટલાં રૂપકડાં પક્ષીઓનાં મોત થતાં મોરનાં મૃત્યુનો સિલસિલો આ વિસ્તારમાં અટકવાનું નામ જ નથી લેતો તેવી ચિંતા સાથે આક્રોશ ફેલાયો છે. આ બાબતે સંબંધિત તંત્રો મહેસૂલ, વનતંત્ર તથા વીજ તંત્રને જાણ કરવા છતાં ખાનગી કંપનીઓ સામે તંત્ર દ્વારા પગલાં શા માટે નથી લેવામાં આવતાં તેવો સવાલ છે. વીજશોકથી જ્યારે જ્યારે મોરોનાં મોત થાય છે, ત્યારે અખબારોમાં મોટાં મથાળે સમાચાર પ્રસિદ્ધ થાય છે, તેમ છતાં વહીવટી તંત્ર, સ્થાનિક ગ્રામ પંચાયત આવા બનાવો સામે આંખ આડા કાન કરે છે. થોડોક ઊહાપોહ થયા બાદ વાત ભૂલાઇ જાય છે. તો આ બાબતે પ્રજાકીય પ્રતિનિધિઓ ચૂપ છે, શા માટે રજૂઆત કરતા નથી ? ગ્રામજનો દ્વારા આ બાબતે તંત્ર સમક્ષ રૂબરૂ રજૂઆત કરવા છતાં સંબંધિત તંત્રો કોની લાજ કાઢે છે તેવા સવાલો ઉઠાવાઇ રહ્યા છે. આ મોરવીડી ખાતે સુઝલોન કંપની દ્વારા ઊભી કરાયેલી ડી.પી.માં શોર્ટ સર્કિટનાં કારણે મોરનાં મરણ થયાં છે. તેનાં પગલે કંપની દ્વારા આ ડી.પી. પર પ્લાસ્ટિકની નેટ લગાવી પાંજરું બનાવ્યું છે, જેમાં હવે નાનાં પક્ષીઓ, ચકલીઓ, કબૂતરો, પોપટ જેવાં પક્ષીઓ માળા બનાવશે અને તેનાં પણ વીજશોકથી મોત થવાની ભીતિ સેવાઇ રહી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer