મુંદરા અને આસપાસના ગામોમાં 21 કૂવા-બોરવેલ રિચાર્જની કામગીરી પૂર્ણ

મુંદરા અને આસપાસના ગામોમાં 21 કૂવા-બોરવેલ રિચાર્જની કામગીરી પૂર્ણ
મુંદરા, તા. 10 : અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા તથા આસપાસના ગામોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કૂવાઓ અને બોરવેલ રિચાર્જની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે.`પાણી પહેલાં બાંધો પાળ, તો નડશે નહી દુષ્કાળ' આ સૂત્રને સાર્થક કરવા છેલ્લા કેટલાક વર્ષોથી અદાણી ફાઉન્ડેશન-મુંદરા દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખીને પ્રયત્નો કરવામાં આવે છે. આ  વર્ષે પણ છેલ્લા વીસ દિવસથી શિરાચા, નવીનાળ, દેશલપર અને ઝરપરા તમામ ગામના સરપંચો તથા ગ્રામ પંચાયત સભ્યો અને આગેવાનોના સહયોગથી અને વાડીવિસ્તારમાં વ્યક્તિગત ખેડૂતોની ભાગીદારીથી 21 જેટલા કૂવાઓ તથા બોરવેલ રિચાર્જની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 11 કૂવા બોરવેલની કામગીરી પ્રગતિમાં છે. આ વર્ષે ચોમાસા પહેલાં કુલ 60 કૂવા બોરવેલ રિચાર્જ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.એક પડતર કૂવો કે બોરવેલમાં જો વરસાદનું પાણી ઉતારવામાં આવે તો એક ચેકડેમ જેટલું પાણી ભૂગર્ભમાં જાય છે. સ્થાનિકે નટુભા ચૌહાણ (સરપંચ), જોરુભા, હરદાસભાઇ ગઢવી, સામરાભાઇ ગઢવી (સરપંચ), માણશીભાઇ ગઢવી, પાલુભાઇ ગઢવી, નારણભાઇ જોશી વગેરે જાગૃતતા લાવવામાં મહેનત કરી રહ્યા છે. અદાણી ફાઉન્ડેશનના  કાર્યકરો અને આગેવાનો સાથે મળી ખેડૂતની વાડીની રૂબરૂ મુલાકાત લઇ ઇજનેર દ્વારા તાંત્રિક માર્ગદર્શન મેળવી કામ શરૂ કરવામાં આવે છે. આ માટે ખેડૂત પોતે પાણીની આવની જગ્યાથી કૂવા કે બોરવેલ સુધી જરૂરી કેનાલ ખોદવાની અને પાઇપ નખાઇ ગયા બાદ પૂરતી કરવાનું કામ જાતે ખેડૂતો કરી રહ્યા  છે. સ્થાનિક લોકો સ્વયંભૂ જોડાઇ જતાં આ જીવંત બની ગયું છે. એપીએસઇઝેડના એક્ઝિકયુટિવ ડાયરેકટર રક્ષિતભાઇ શાહે પ્રોત્સાહન આપતાં કહ્યું કે, `ખેતી માટે પાતાળ જીવંત રાખવા વરસાદી પાણી સંગ્રહ સિવાય કોઇ હાથવગો ઉપાય નથી.'અદાણી ફાઉન્ડેશનના ડાયરેકટર વી.એસ. ગઢવીએ જણાવ્યું કે, `ભાવિ પેઢીને ઉપયોગી કામો જ વધારે ટકાઉ બનશે. સાથે-સાથે જાગૃત ખેડૂતોને જોડાવા અપીલ પણ કરવામાં આવી છે. યુનિટ સી.એસ.આર. હેડ પંક્તિબેને કહ્યું કે, `દુષ્કાળ પડે પણ નડે નહીં તે માટે વરસાદી પાણી રોકીને ભૂગર્ભમાં ઉતારવું ખૂબ જરૂરી છે.ટકાઉ આજીવિકા કાર્યક્રમના હેડ માવજીભાઇ બારૈયાના માર્ગદર્શન હેઠળ સિનિયર પ્રોજેકટ ઓફિસર કરશનભાઇ ગઢવી તથા ઇજનેર વિજયભાઇ આ પ્રોજેકટ પર કાર્યરત હોવાનું યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer