કંડલામાં મોટા `ડિઝાસ્ટર'' પછી જ `મેનેજમેન્ટ'' કરશું ?

કંડલામાં મોટા `ડિઝાસ્ટર'' પછી જ `મેનેજમેન્ટ'' કરશું ?
અદ્વૈત અંજારીયા દ્વારા -   ગાંધીધામ, તા. 10 : દેશના સૌથી અવ્વલ મહાબંદર કંડલા (દીનદયાળ) ખાતેથી આયાતી પેટ્રોલ-ડીઝલ તથા અત્યંત જોખમી અને જ્વલનશીલ રસાયણો પાઇપલાઇન દ્વારા બંદરીયનગરમાં આસપાસ ફેલાયેલા સંગ્રહ ટાંકાઓ (ટેન્ક ફાર્મ) સુધી લઇ જવાય છે. આ માટે પાઇપલાઇનોનું વિશાળ જાળું ગોઠવાયેલું છે. ડીપીટી પ્રશાસન લિકવિડ જેટીઓની સંખ્યા હજુય વધારતું હોવાથી આ નેટવર્કમાં વધારો જ થશે. આ સમયે કેટલાક લુખ્ખા તત્ત્વો આ પાઇપલાઇનોમાં કાણાં પાડી પેટ્રોલ-ડીઝલ કે કેમિકલ ચોરી રહ્યા છે અથવા તો પ્રયાસ કરી રહ્યા છે જેને રોકવાની દિશામાં પોલીસ કે મહેસૂલ તંત્ર જોઇએ તેવું ગંભીર નહીં હોવાથી કંડલાવાસીઓના જીવ તાળવે ચોંટયા છે. કોઇ મોટી હોનારત થશે પછી જ આપણે જાગશું તેવો પ્રશ્ન પૂછી રહ્યા છે. મહાબંદર છે એટલે ખાદ્યાન્નથી માંડીને અનેક પ્રકારની ચીજ-વસ્તુઓ મોટા જથ્થામાં અહીં આવે છે, તેથી માલની નાની-મોટી ચોરી થવી સ્વાભાવિક છે. ભૂતકાળમાં તો  તસ્કરો દરિયામાં ઉભેલાં જહાજોમાં ચડી જઇને લૂંટ સુદ્ધાં કરી ગયા છે. આટલું બધું ચાલતું હોવા છતાં તે ઘટનાઓ જાણે કે અત્યંત સામાન્ય હોય તેમ તેને ડામવામાં કોઇ સુરક્ષા એજન્સીઓ ગંભીર જણાતી નથી.પેટ્રોલ-ડીઝલ અને કેમિકલનો વિશાળ જથ્થો કંડલાના ટાંકાઓમાં સંગ્રહાયેલો છે. ચાર તો સરકારી તેલ કંપનીઓ ઉપરાંત અનેક ખાનગી ટેન્કફાર્મ અહીં આવેલાં છે. આ તમામની જમીનમાં પથરાયેલી તેલવહન કરતી પાઇપ લાઇનો અનેક વખત તસ્કરોનું નિશાન બની છે.ટેંકફાર્મમાં આગની ભૂતકાળમાં બનેલી લગભગ તમામ ઘટનાઓ વખતે અખબારો લાલબત્તી ધરે છે, પરંતુ જિલ્લા કલેકટરથી માંડીને ગાંધીધામ મામલતદાર કે પોલીસ વડાથી માંડીને કંડલા મરીન પોલીસ સુધીનું તંત્ર કોઇ ખાસ ચિંતિત જણાયું નથી. એક ખાદ્યતેલ કંપનીનો 70 લાખનો તેલનો જથ્થો બારોબાર પગ કરી ગયો તેની તપાસમાં હજુ કોઇ પ્રગતિ નથી. રોજેરોજ તસ્કરીના પ્રયાસ થઇ રહ્યાં છે. તેમાંય નાની માછલી સિવાય પોલીસને કોઇ સફળતા મળી નથી. સમગ્ર પાઇપલાઇન ઉપર પેટ્રોલિંગ 24 કલાક જરૂરી છે. જિલ્લા કલેકટર, ડીપીટી અધ્યક્ષ, પોલીસવડા તથા તેલ કંપનીઓ અને ખાનગી ટેન્કફાર્મની આ માટે બેઠક યોજીને વિચારણા થવી જોઇએ પણ કોરોનાનું બહાનું આવી  જતાં આવા કોઇ કામ થતાં નથી. કંડલાવાસીઓ કહે છે કે, `હેકડો ડી અસીં સૂતે સૂતે જ મરી વેંધા સીં...' પેટ્રોલ-ડીઝલની લાઇનો સાથે રોજિંદા ચેડાંથી જો મોટી દુર્ઘટના બનશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે કોઇ યોજના છે ખરી કે   પછી ડિઝાસ્ટર પછી જ મેનેજમેન્ટ કરશું તેવો આ કંડલાવાસીઓનો પ્રશ્ન છે. ખરેખર તો તેલ કંપનીઓએ પોલીસને સાથે રાખી એક વખત તમામ લાઇનનું ચેકિંગ કરવું જોઇએ. ખબર નથી કેટલી જગ્યાએ કાણાં કરીને લાઇન સાથે ચેડાં થયાં હશે ? અનેક જગ્યાએ આજે પણ બેસાડાયેલા વાલ્વ મળી આવે છે. ચોરીની આ  સામાન્ય દેખાતી ઘટના ખૂબ મોટી અને ગંભીર છે તેથી તેને ધ્યાનમાં લેવી જરૂરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer