બદામી છેલામાં ગટરનાં ખુલ્લાં જોડાણ મુદ્દે 20થી 2પ મકાનોને તાકીદ

બદામી છેલામાં ગટરનાં ખુલ્લાં જોડાણ મુદ્દે 20થી 2પ મકાનોને તાકીદ
ભુજ, તા. 10 : શહેરીજનોનાં હૃદયસ્થ હમીરસર તળાવને ગટરનાં પાણીથી દૂષિત કરવામાં ભાગ ભજવનાર રઘુવંશીનગરમાં દબાણ કરી બનાવાયેલાં 20થી 2પ મકાનોના માલિકોને સુધરાઈ પ્રમુખ દ્વારા ગટર જોડાણ લેવા અથવા તો અન્ય વ્યવસ્થા કરવા  તાકીદ કરાઈ હતી. જો જોડાણ નહીં લેવાય તો દબાણો દૂર કરાશે અથવા તો પાણીનાં જોડાણ કાપવા ચીમકી આપી હતી.સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે ભુજ સુધરાઈના પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કર ડ્રેનેજ, સેનિટેશન, વોટર સપ્લાય અને વોર્ડરની ટીમ સાથે રઘુવંશીનગર ખાતે પહોંચી હમીરસરની આવ બદામી છેલામાં નિરીક્ષણ કરતાં 20થી 2પ મકાનોની ગટરલાઈન છેલામાં દૂષિત પાણી ઠાલવતી નજરે પડી હતી. વરસાદ સમયે અહીંથી પાણી હમીરસર તળાવમાં પહોંચી તેને દૂષિત કરે છે. આ બાબતે સુધરાઈ દ્વારા અગાઉ રહેવાસીઓને નોટિસ પાઠવી હતી, તેમ છતાં ગટર જોડાણ લેવાની તસ્દી ન લેવાતાં આજે શ્રી ઠક્કરે રહેવાસીઓને તાકીદ કરી જો સત્વરે જોડાણ નહીં લેવાય તો ભાડામાં જાણ કરી દબાણો દૂર કરવા તેમજ પાણી જોડાણ કાપવા સહિતનાં પગલાં ભરાશે તેમ જણાવ્યું હતું. જો કે, રહેવાસીઓ ગટર જોડાણ લેવા સહમત થયા હતા તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. સ્થળ નિરીક્ષણ બાદ પ્રમુખે આવની ત્વરિત સફાઈ કરવા સુધરાઈની ટીમને સૂચના આપી હતી.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer