પ્રાકૃતિક સંપત્તિનું દોહન વિનાશ નોતરશે

પ્રાકૃતિક સંપત્તિનું દોહન વિનાશ નોતરશે
કુનરિયા (તા. ભુજ), તા.10 : પ્રકૃતિમાં રહેલાં સંસાધનોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે પ્રાકૃતિક સંપત્તિનું દોહન આપણો અને અનુગામી પેઢીનો વિનાશ નોતરશે. પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વધુ વૃક્ષોનું વાવેતર થાય અને તેના ઉછેર માટે જાગૃતિ આવે એ અપેક્ષિત છે. કુનરિયા જૂથ ગ્રામ પંચાયત છેલ્લા ચાર વર્ષથી આ દિવસની ઉજવણી કરી રહી છે. 70 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું જે પૈકી 82 ટકા વૃક્ષો હયાત છે. આજે વધુ એક હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે એ સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા પંચવટી વન લોકો માટે ખુલ્લું મુકાયું હતું. મુખ્ય વન સંરક્ષક અનિતા કર્ણઁ, નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર અને કુનરિયાના સરપંચ સુરેશ છાંગા અને ગામ લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રીબીન કાપીને ઉદ્ઘાટન બાદ તક્તિ અનાવરણ થયું હતું. મહાનુભાવોના હાથે વૃક્ષારોપણ અને પંચવટી વનમાં તૈયાર કરવામાં આવેલા ઉજાણીઘર, શૃંગારરૂમ અને કિચનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કુનરિયા ગ્રામ પંચાયત દ્વારા ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન પર ચાર વર્ષમાં કરવામાં આવેલા પ્રયત્નોથી વાકેફ કરાયા હતા. જેમાં 11 જેટલા પ્લોટમાં 70000 વૃક્ષોનું વાવેતર અને પાલતુ પશુ, જંગલી પ્રાણીઓના આશ્રયસ્થાનોને પ્રોત્સાહન આપવાનું કામ કરવામાં આવ્યું. ઉપરાંત વન, તળાવ, નદી અને વન્ય જીવો સંબંધિત નાગરિકોની ફરજો બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે બાયો કલ્ચર રજીસ્ટર બનાવી સમાજ અને પ્રકૃતિના સહઅસ્તિત્વની કામગીરીની નોંધ પણ કરાઈ પંચાયત વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ વન દિવસ, વિશ્વ પાણી દિવસ જેવા દિવસોની ઉજવણી કરી સતત જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આવા સામૂહિક પ્રયત્નોથી પ્રમાણમાં વરસાદમાં વધારો થયો છે, યાયાવર પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે, જંગલી પ્રાણીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પ્રદૂષણને નિયંત્રિત કરવા પંચાયતે નોંધપાત્ર પગલાં લીધા છે. આગામી દિવસોમાં કુનરિયા પંચાયત દ્વારા તળાવની બાજુમાં બર્ડ વાચિંગ ટાવર ઉભો કરાશે, વૃક્ષોનું વાવેતર તથા તળાવનું બ્યુટીફિકેશન અને સતત જાગૃતિના કામો કરાશે. ટકાઉ વિકાસ સૂચકાંક 13 મુજબ ક્લાઇમેટ એકશન પર કરવામાં આવેલા પ્રયત્નોની મુખ્ય વન સંરક્ષકે પ્રશંસા કરી ગ્રામ પંચાયતને શુભેચ્છાઓ પાઠવી  સમગ્ર કાર્યક્રમમાં ગામલોકો અને વનવિભાગનો સહયોગ મળ્યો ભુરાભાઈ કેરાસિયા, કૈલાશ ચાડ અને ભારતી ગરવાએ વ્યવસ્થા સંભાળી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer