યોગી દિલ્હી દોડી આવતાં રાજકીય ગરમાટો

આનંદ કે. વ્યાસ તરફથી - નવી દિલ્હી, તા. 10 : ઉત્તરપ્રદેશમાં રાજકીય અસંતોષના અહેવાલો વચ્ચે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય અગ્રણી નેતાઓને મળવા માટે આજે અચાનક દિલ્હી પહોંચ્યા હતા અને દોઢ કલાક સુધી ચર્ચા કરતાં અટકળો ફેલાઇ હતી. યોગી આવતીકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને પછી ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડા સાથે પણ મુલાકાત કરશે. દરમ્યાન એનડીએના સહયોગી પક્ષ અનુપ્રિયા પટેલે પણ અમિત શાહ સાથે મુલાકાત કરતાં યુ.પી.માં મોટા ફેરફારની અટકળોને વેગ મળ્યો છે. ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમણની સ્થિતિનો સામનો કરવામાં યોગી આદિત્યનાથની સરકારની કામગીરી અંગે કેટલાકે તેમની ટીકા કરી છે અને આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં તેની અસર થવાનો ભય વ્યક્ત ર્ક્યો  છે. ઉત્તરપ્રદેશ ભાજપમાં ગયા મહિનાથી આ સ્થિતિ બાદ યોગી આદિત્યનાથની દિલ્હીના નેતૃત્વ સાથે આ પહેલી મુલાકાત છે. યોગી આદિત્યનાથ બે દિવસ દિલ્હીમાં રહેશે. આજે બપોરે તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત લીધી હતી. તેઓ આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાની મુલાકાત લેશે. દરમિયાન આજે નડ્ડા અને મોદી વચ્ચે પણ મુલાકાત થઈ હતી, જેમાં ઉત્તરપ્રદેશ સંબંધી વાતચીત થયાના અહેવાલો છે. કોંગ્રેસના અગ્રણી નેતા અને ઉત્તરપ્રદેશના બ્રાહ્મણ નેતા જિતિન પ્રસાદે ભાજપમાં પ્રવેશ ર્ક્યાના એક દિવસ બાદ યોગીએ દિલ્હીની મુલાકાત લીધી છે. જિતિન પ્રસાદ રાજ્યની આગામી ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. આગામી ચૂંટણીમાં એક વર્ષ કરતાં પણ ઓછો સમય રહ્યો છે. ઘણા સંસદસભ્ય અને વિધાનસભ્યોએ ઉત્તરપ્રદેશમાં કોવિડ સંક્રમણ સ્થિતિની વ્યવસ્થા અંગે પોતાની જ સરકારની ટીકા કરી છે અને તાજેતરની પંચાયત ચૂંટણીનાં પરિણામ પર એની અસર જોવા મળી છે. ગયા અઠવાડિયે, વરિષ્ઠ ભાજપ નેતા બી. કે. સંતોષે એક કેન્દ્રીય મંડળનું નેતૃત્વ કરીને ઉત્તરપ્રદેશમાં પ્રધાનો, સંસદસભ્યો અને વિધાનસભ્યો તથા મુખ્યપ્રધાન સાથે પણ બેઠકો યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. આરએસએસના વરિષ્ઠ નેતા, દત્તાત્રેય હોસબોલેએ ભાજપના સંગઠન અને યોગી સરકારની કામગીરીની સમીક્ષા માટે ઉત્તરપ્રદેશની મુલાકાત લીધી હતી. જો કે, ઉત્તરપ્રદેશમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાને ભાજપે ફગાવી દીધી હતી. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં યોગી જ પાર્ટીનું નેતૃત્વ કરશે પરંતુ અન્ય ફેરફારોની શક્યતા હોવાનું સૂત્રોએ   જણાવ્યું છે. વડાપ્રધાનના વિશ્વાસુ મનાતા પૂર્વ સનદી અધિકારી, અરવિંદ શર્માને ઉત્તરપ્રદેશ સરકારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવે એવી શક્યતા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer