ગોઝારા કોરોનાથી એક દિ''માં વિક્રમી 6148 મોત

નવી દિલ્હી, તા. 10 : કાળ કોરોનાનો વેશપલટો કરીને જાણે ત્રાટક્યો હોય તેમ સ્મશાનો રાત-દિવસ ધમધમતાં સ્વજનો ખોનારાઓનાં કલ્પાંતથી ચોમેર કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. ભારતમાં માત્ર 24 કલાકના ગાળામાં કોરોના 6148 સંક્રમિતોને ભરખી ગયો હતો. મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી દુનિયાના કોઈ પણ દેશમાં એક દિવસમાં આટલાં બધાં મોત થયાં નથી. હકીકત કંઈક એવી છે કે, બિહારમાં મોતના આંકડા ખોટા હતા અને રાતોરાત ફેરતપાસ બાદ વધુ 3971 મોત સામે આવતાં એક દિવસમાં ભારતમાં 6148 દર્દીએ જાન ગુમાવ્યા છે.દેશમાં ગુરુવારે વિક્રમી છ હજારથી વધુ મોત સાથે કુલ મરણાંક 3.59 લાખને આંબી 3,59,676 પર પહોંચી ગયો છે. કોરોનાથી મૃત્યુનો દર વધીને 1.23 ટકા થયો છે.ભારતમાં આજે ત્રીજા દિવસે એક લાખથી ઓછા નવા દર્દી ઉમેરાયા છે. જો કે, ગઈકાલની તુલનાએ વધુ 94,052 નવા દર્દી સામે આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા 2.91 કરોડને પાર, બે કરોડ, 91 લાખ, 83,121 પર પહોંચી ગઈ છે. દેશમાં 24 કલાક દરમ્યાન વધુ 1,51,367 સંક્રમિતો ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં કુલ 2.76 કરોડથી વધુ, બે કરોડ, 76 લાખ, 55,493 દર્દી સાજા થઈ ચૂક્યા છે. આજે લગાતાર 28મા દિવસે નવા દર્દી કરતાં સાજા થતા દર્દીઓની સંખ્યા વધારે આવતાં રિકવરી રેટ સતત વધતો રહીને ગુરુવારે 94.77 ટકા થઈગયો હતો. ભારતમાં ગુરુવારે 60 દિવસ બાદ સારવાર હેઠળ છે તેવા સંક્રમિતોની સંખ્યા ઘટીને 12 લાખની નીચે આવી ગઈ છે. આજની તારીખે 11.67 લાખ, 11,67,952 દર્દી સારવાર હેઠળ છે. કુલ સંક્રમિતોની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ ઘટીને માત્ર ચાર ટકા રહી ગયું છે. વિક્રમી મોતનાં કારણે મૃત્યુદર વધીને 1.23 ટકા થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધી કુલ 37.21 કરોડથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે, તો કુલ 24 કરોડ, 27 લાખ 26,693 લોકોને રસી અપાઈ ચૂકી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer