મોહે દર્શન ભિક્ષા દે દો આજ...

અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી ) : રાજ્યમાં કોરોનાનાં સંક્રમણનું પ્રમાણ ઘટતાં આવતીકાલે 11 મેથી મોટા ભાગનાં મંદિરો ભક્તો માટે ખુલ્લાં મુકાશે, જેમાં સોમનાથ, દ્વારકા, શામળાજી, ચોટિલાનો સમાવેશ થાય છે, જ્યારે વડતાલ સ્વામિનાયણ મંદિર, અંબાજી, 12 જૂનથી અને બગદાણા 15 જૂન બાદ ખૂલશે. સરકાર દ્વારા કેટલાક કડક નિયમો સાથે મંદિરો ખોલવાની મંજૂરી આપી છે. તમામ મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને સોમનાથ મહાદેવ મંદિર તા. 11 એપ્રિલ, 2021થી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું, જે હવે આવતીકાલે એટલે તા.11 જૂન 2021થી ભાવિકો માટે ખૂલી જશે. આમ, આ કોરોનાની બીજી લહેર બાદ 61 દિવસે ફરી મંદિર ખૂલશે, જેમાં ગાઈડલાઈન્સ મુજબ દર્શન માટે માસ્ક ફરજિયાત પહેરીને જ જઇ શકાશે. સવારે 7:30થી 11:30 અને 12:30થી 6:30 સુધી માત્ર દર્શન માટે જ મંદિર ખૂલશે. આરતીમાં કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે. યાત્રાધામ દ્વારકામાં સુપ્રસિદ્ધ ભગવાન દ્વારકાધીશજી મંદિરને તા.11મી જૂનથી જગત મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. કોરોના મહામારીનાં પગલે 13 એપ્રિલથી બંધ અંબાજી મંદિર 57 દિવસ બાદ માનાં દર્શનને લઈ ભક્તો માટે 12 જૂનથી ખુલ્લું મુકાશે.પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરનાં દ્વાર તારીખ 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખૂલી જશે. સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. સાથે જ વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખૂલશે. લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતીક ખોડલધામ મંદિર 11 જૂનથી ખૂલશે, મંદિર સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. 65 દિવસ બાદ એટલે કે 14 જૂન અને સોમવારના રોજ દર્શનાર્થીઓ માટે ખૂલશે. જો કે, સવાર-સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ અપાશે નહીં. જલારામ બાપાના દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer