કોરોનાએ સાયક્લોન રિસ્પોન્સ પ્લાનના અમલમાં સર્જ્યો અવરોધ

ભુજ, તા. 10 : 350 કિલો મીટરનો લાંબો દરિયાકાંઠો ધરાવતા કચ્છ પર છેલ્લા અઢી દાયકાના સમયગાળામાં અનેક વાવાઝોડાનો ખતરો મંડરાયો છે પણ 1998 અને 1999ની સાલમાં વાવાઝોડાએ વેરેલા વિનાશને બાદ કરતાં બીજા સાયકલોનનું સંકટ તો સર્જાયું પણ સદ્ભાગ્યે કચ્છ પરથી આ ઘાત ટળી ગઇ હતી.વાવાઝોડાની સ્થિતિ સર્જાય તો કેવા પ્રકારની કામગીરી કરવી તેના સુચારુ આયોજન માટે રાજ્યમાં સૌ પ્રથમવાર કચ્છમાં સાયકલોન રિસ્પોન્સ પ્લાન  બનાવવાની શરૂઆત કરાઇ અને આ પ્લાન તેની અમલવારીના તબક્કે પહોંચી રહ્યો હતો ત્યારે  જ કોરોનાએ ભરડો લેતાં સાયકલોન રિસ્પોન્સ પ્લાન આગળ ધપતો અટકી  ગયો હતો. હાલમાં તૌકતે વાવાઝોડાનો ખતરો કચ્છ પર મંડરાઇ રહ્યો હતો ત્યારે જો આ રિસ્પોન્સ પ્લાન અમલમાં મુકાઇ ગયો હોત તો આગોતરી રાહત બચાવની કામગીરી ઘણી સરળ બનત   તેવો મત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત જિલ્લા સ્તરે સાયકલોન રિસ્પોન્સ પ્લાન બનતો હોય તેવું કચ્છમાં થઇ રહ્યું છે. ત્યારે અલગ અલગ ચાર કલર કોડમાં બચાવ-રાહત કામગીરીનું વિભાજન કરવામાં આવનારું હતું. જેથી વાવાઝોડાની ચેતવણી મળે કે તરત જ કલર કોડ મુજબ કામગીરીનો ધમધમાટ શરૂ થઇ જાય તે પ્રકારનું આયોજન ઘડવામાં આવ્યું હતું.20 જેટલી ફિશિંગ લેન્ડિંગ સાઇટ તારવી ત્યાં આગળ અર્લિવોર્નિંગ સિસ્ટમ લગાડવાનું પણ આયોજન સૂચિત પ્લાનની અમલવારી અંતર્ગત હાથ ધરવામાં આવ્યું હતું. હાલ તો આ તમામ કામગીરી અટકી ગઇ છે.આ બાબતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કચેરીનો સંપર્ક સાધતાં રિસ્પોન્સ પ્લાન બનાવવાની કામગીરી હાલ કોરોનાના લીધે અટવાઇ હોવાનું જણાવી આગામી થોડા જ સમયમાં આ પ્લાન બનાવવાની અટકેલી કામગીરી આગળ ધપાવાશે તેવું જણાવાયું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer