સખત સપાટી ઉપર ચાલવું-દોડવું જોખમી બની શકે

મનજી બોખાણી દ્વારા -  ગાંધીધામ, તા. 10 : કાળમુખા કોરોનાએ અનેકના વહાલસોયાને છીનવી લીધા છે. જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી તમામ લોકો પરેશાન થઈ ગયા છે, પરંતુ આ કોરોના થકી લોકોમાં સ્વયં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ પણ આવી છે. આ કાળમુખાને પોતાનાથી દૂર રાખવા માટે લોકો કસરત, યોગ, દોડ, વોકિંગ, સાઈકલિંગ તરફ વળ્યા છે અને પોતાના શરીરને તંદુરસ્ત પણ રાખી રહ્યા છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વસ્થ રહેવા, હૃદય, ફેફસાંને મજબૂત રાખવા લોકો હાર્ડ સરફેસ (રોડ, પેવર બ્લોક) વગેરે ઉપર દોડતા કે વાકિંગ કરતા થઈ ગયા છે, પરંતુ આ હાર્ડ સરફેસ (સખત સપાટી) ઉપર દોડવું કે વધારે સમય માટે ચાલવું તે પગની એડી, કમર, થાપા કે ઘૂંટણને નુકસાન પહોંચાડી શકે છે, જેથી લોકોને કુદરતી જમીન, ઘાસ કે રેતી ઉપર ચાલવા તબીબો સલાહ આપી રહ્યા છે. નાનકડા વાયરસ કોરોનાએ સૌકોઈને દોડતા કરી મુક્યા છે. અનેકના જીગરીઓને છીનવી લીધા છે. ક્યાંક આખેઆખા ઘર માનવરહિત કરી મુક્યા છે. આ કાળમુખાથી બચવા લોકોમાં સ્વયં સ્વાસ્થ્ય અંગે જબ્બર જાગૃતિ આવી છે અને આવી કાળઝાળ  ગરમીમાં પણ લોકો યોગ, કસરત, વોકિંગ કે રનિંગ કે સાઈકલિંગ કરતા નજરે પડે છે. દોડવું કે ચાલવું અમુક લોકો માટે નિયમિત છે તો અમુક લોકો માટે જીવનજરૂરિયાત જેવું છે. દોડવા કે તીવ્ર ગતિમાં ચાલવાથી હૃદય, ફેફસાં મજબૂત બને છે, તાણ ઓછી થાય છે, ઉક્ત રક્તચાપ, મધુપ્રમેહ વગેરેમાં ફાયદાકારક છે, પરંતુ હાર્ડ સરફેસ (સખત સપાટી) ઉપર દોડવું કે ચાલવું હાનિકારક સાબિત થઈ શકે છે. સરહદી એવા આ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સખત સપાટી ઉપર દોડતા કે ચાલતા નજરે પડે છે. દોડવા કે ચાલ્યા બાદ શરીરમાં કોઈ સમસ્યા ઉદ્ભવતી હોય છે ત્યારે મોટાભાગના લોકો પોતાના પગરખાં (બૂટ)ને દોષી ઠેરવતા હોય છે. કોઈ પણ કસરત કરવા માટે પગરખાં (બૂટ) મુખ્ય સાધન છે, પરંતુ દર વખતે આ બૂટ જ શરીરમાં સમસ્યાઓ માટે જવાબદાર હોતા નથી તેવું તબીબો જણાવી રહ્યા છે. દોડતી કે ચાલતી વખતે સખત સપાટી આપણા પગના દબાણ, આંચકાને શોષી શકતી નથી જેથી એડી, ઘૂંટણ, કમર, થાપામાં તેની સીધી અસર થાય છે અને તેવા ભાગોમાં ઈજાઓ થવાની શક્યતાઓ રહેલી છે. વધુ પડતી સખત સપાટી ઉપર ચાલતી કે દોડતી વખતે એડીમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પણ થઈ શકે છે. સખત સપાટી ઉપર દોડતા કે ચાલતા પહેલાં વજન ઓછું કરવું જોઈએ, તે પહેલાં હળવી કસરતો, ઘૂંટણના સ્નાયુઓની કસરતો તથા સારી ગુણવત્તા (ક્વોલિટી)ના પગરખાં (બૂટ) પહેરવા જોઈએ. બૂટમાં સિલિકોન ઈન્સોલ રાખી દોડવાથી એડીમાં રાહત રહે છે, પરંતુ હાલમાં કોરોનાને પોતાનાથી દૂર રાખવા માટે અનેક લોકો સખત સપાટી ઉપર દોડતા હોય છે. જિલ્લામાં અનેક જગ્યાએ બાગ, બગીચાઓમાં પણ લોકોને ચાલવા માટે પેવરબ્લોક બિછાવવામાં આવ્યા છે, જેના ઉપર લોકો દોડતા હોય છે, પરંતુ લાંબાગાળે આ શરીર માટે દુ:ખદાયક બની શકે છે.આના કરતાં લોકોએ ઘાસ, માટી કે કુદરતી જમીન ઉપર દોડવું કે ચાલવું જોઈએ તેવું ગાંધીધામના ઓર્થોપેડિક તબીબ ડો. બિકેશ મહેતા જણાવી રહ્યા છે. આવી રીતે સખત સપાટી ઉપર દોડવા કે ચાલવા કરતાં સાઈકલિંગ કે સ્વિમિંગ કરવું યોગ્ય છે તેવું પણ આ તબીબ જણાવી રહ્યા છે. સખત સપાટી ઉપર ચાલવું કે દોડવું અને શરીરને ચુસ્ત રાખવાની આ કસરત મોટી ઉંમરના લોકોના ઘૂંટણ, એડી, સ્પાઈન, થાપા (હિપ)માં અસર કરી શકે છે.આની જગ્યાએ યોગ્ય માર્ગદર્શન હેઠળ યોગ, પ્રાણાયામ કરવા હિતાવહ છે. બગીચામાં ઘાસ ઉપર ચાલવું લાભદાયક છે, પરંતુ બગીચાઓમાં લાગેલા પેવરબ્લોક ઉપર યોગ્ય માર્ગદર્શન વગર ચાલવું કે દોડવું ઘાતક સાબિત થઈ શકે છે. આવી કસરતો વખતે કોઈ સમસ્યા ઉદ્ભવે તો તબીબોનું યોગ્ય માર્ગદર્શન મેળવી બાદમાં આગળ વધવું જોઈએ તેવું આ તબીબ જણાવી રહ્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer