હવે તો ગાંધીધામ પાલિકામાં સમિતિઓની રચના હાથ ધરો

ગાંધીધામ, તા. 10 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઇ ગયાને ઘણો સમય નીકળી ગયો છે. કોરોના સંક્રમણની બીજી લહેર પણ હવે ઓસરી ગઇ છે, ત્યારે ગાંધીધામ નગરપાલિકામાં કારોબારી સહિતની વિવિધ સમિતિઓની રચના હવે સત્વરે કરવા વિપક્ષી નગરસેવકે અનુરોધ કર્યો છે. સુધરાઇ પ્રમુખને એક પત્ર પાઠવીને નગરસેવક સમીપ જોલીએ જણાવ્યું છે કે સમિતિઓની રચના મુદ્દે અગાઉ પણ તેમણે રજૂઆત કરી હતી. સમિતિઓ નહીં રચાઇ હોવાથી વિકાસનાં અનેક કામો, ગ્રાન્ટ મેળવવાની દરખાસ્ત સહિતની પ્રક્રિયા અટકી પડી છે. નગરપાલિકા અધિનિયમની જોગવાઇ તળે સુધરાઇ પ્રમુખને સમિતિઓની રચના અર્થે સામાન્ય સભા બોલાવવાનો અધિકાર છે. હવે જ્યારે કોરોનાની બીજી લહેર ઓસરી છે અને તમામ સરકારી કચેરીઓ પૂર્ણપણે કાર્યરત થઇ છે, ત્યારે સમિતિઓની રચના અર્થે સત્વરે સામાન્ય સભા બોલાવવાનો પત્રમાં આગ્રહ કરાયો છે, જેથી પાલિકા હસ્તકનાં વિકાસનાં અવરોધાયેલાં કાર્યો ઝડપથી હાથ ધરી શકાય. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer