14 માસમાં એક લાખ કિલો બાયોમેડિકલ વેસ્ટ

હેમાંગ પટ્ટણી દ્વારા - ભુજ, તા. 10 : કોરોનાની મહામારીએ દેશના આરોગ્ય માળખાંને વેરવિખેર કરી નાખ્યું છે. ખાસ કરીને કોરોનાની પહેલી કરતાં બીજી લહેર વધુ ઘાતક અને જીવલેણ સાબિત થઈ છે અને ત્રીજી આવવાની ધાસ્તી છે ત્યારે ગયા વર્ષના માર્ચ માસથી શરૂ થયેલી આ મહામારીના અત્યાર સુધીના 14 માસથી વધુના સમયગાળામાં કચ્છમાં 1 લાખ કિલોથી વધુ બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કચ્છમાં ચેપી ગણાતા વાય કેટેગરીના બાયો મેડિકલ વેસ્ટનો પ્રતિ વર્ષ 10,000 કિલો બાયો મેડિકલ વેસ્ટનો નિકાસ થતો હોય છે પણ કોરોના મહામારીના કારણે તેમાં અધધધ વધારો થયો હોય તેમ સામાન્ય સમયગાળામાં થાય તેના કરતાં દસ ગણા વધુ બાયો મેડિકલ વેસ્ટનો કોડકી રોડ સ્થિત  કોમન ફેસેલિટી સેન્ટરમાં નિકાલ કરાયો છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભુજ સ્થિત પ્રાદેશિક કચેરીમાંથી મળેલી સત્તાવાર વિગતો અનુસાર જિલ્લામાં 830 હોસ્પિટલોને બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. કચ્છમાં કોરોનાનો કહેર જ્યારે પરાકાષ્ટાએ પહોંચ્યો હતો તે જ સમય ગાળામાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ સર્વાધિક પ્રમાણમાં થયો હોવાનું જેપીસીબીમાંથી મળેલા સત્તાવાર આંકડા બોલી રહ્યા છે. બાયો મેડિકલ વેસ્ટના નિકાલની પ્રક્રિયા પર પ્રકાશ પાડતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સત્તાવાર સૂત્રોએ કહ્યું કે આખા જિલ્લાને કોડકી રોડ સ્થિત કોમન ફેસેલિટી સેન્ટરમાં લાવી નિયત કરાયેલા તાપમાને સળગાવી તેનો ધુમાડો પણ જોખમ ન સર્જે તે રીતે આ વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હોય છે. ખાસ વાહનમાં આ વેસ્ટને કોડકી રોડમાં લાવીને ઠાલવવામાં આવે છે.ગત વર્ષના માર્ચથી ડિસેમ્બર માસના સમયગાળામાં 66,364 કિલો બાદ આ વર્ષના જાન્યુઆરીથી મે માસના અત્યાર સુધીના ગાળામાં 33,671 મળી કોરોના કાળના લગભગ સવા વર્ષના આ ગાળા દરમ્યાન એક લાખ કિલો બાયો મેડિકલ વેસ્ટનો અધધધ  પ્રમાણમાં નિકાલ કરાયો છે. બાયો મેડિકલ વેસ્ટના જોખમી રીતે નિકાલની મળતી અવારનવારની ફરિયાદો બાબતે કોઈ પગલાં ભરાયા છે તે બાબતે પૂછતાં જેપીસીબીના જવાબદારોએ કહ્યું કે, ફરિયાદ અનુસંધાને સંબંધિત હોસ્પિટલોને કડક તાકીદ સાથેની સૂચના આપવામાં આવતી હોય છે પણ હજુ સુધી આવી કોઈ ગંભીર પ્રકારની ઘટના ધ્યાનમાં આવી નથી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer