અધિનિયમની જોગવાઇઓ મુજબ બન્નીના અધિકારો આપવા રજૂઆત

ભુજ, તા. 10 : હાલ બન્ની રક્ષિત જંગલનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે ત્યારે બન્નીમાં વન અધિકાર અધિનિયમ 2006ની જોગવાઇઓનો અમલ કરવા અને તે મુજબ સ્થાનિક ગામો અને રહીશોને અધિકારો આપવાની ભલામણ અને રજૂઆત કરતું વિવિધ બિડાણો સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેકટરને અપાયું છે. વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ ભારત સરકાર દ્વારા નિયામયેલી એક્સપર્ટ સમિતિના સભ્ય રમેશ ભટ્ટીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે, જેમાં તેમણે બન્ની બાબતે સમયાંતરે થયેલી કાર્યવાહી અને અભિપ્રાયોના વિવિધ બિડાણો સામેલ કર્યા છે.આ બાબતે કેન્દ્રની નરેન્દ્ર મોદી  સરકાર પણ બન્નીના  માલધારીઓને વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ અધિકારો આપવા પ્રતિબદ્ધ છે, જનજાતિ કાર્ય મંત્રાલય-ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસના સચિવને ઉદ્દેશીને 16 જૂન 2017ના લખાયેલા પત્ર મુજબ બન્ની રક્ષિત જંગલના માલધારીઓ દ્વારા રજૂ કરાયેલી અને મંજૂર થયેલી 47  દાવા ફાઈલો મુજબ અધિકારપત્ર (ટાઇટલ) આપવા ખાસ સૂચના આપી છે. ગુજરાત સરકાર દ્વારા નિમાયેલા સલાહકાર ડો. ઋષિકેશ પાંડા (ભારત સરકારના નિવૃત સચિવ)એ 2016માં બન્નીમાં રૂબરૂ મુલાકાત લઇ અને માલધારીઓના પડતર દાવાનો મુદ્દો સમજીને માલધારીઓને સામુદાયિક અધિકારોના ટાઇટલ આપી દેવા ભલામણ કરી છે.  આ ઉપરાંત વન ગામોને મહેસૂલી ગામોમાં તબદીલ કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે.  આથી જોગવાઇઓનો અમલ કરી, સ્થાનિક ગામો અને રહીશોને અધિકારો આપવા શ્રી ભટ્ટીએ ભલામણ અને રજૂઆત કરી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer