સુથરીના શખ્સનું પૈસાની લેતીદેતીમાં ખૂન કરનારો કોઠારાવાસી પકડાયો

સુથરીના શખ્સનું પૈસાની લેતીદેતીમાં ખૂન કરનારો કોઠારાવાસી પકડાયો
કોઠારા (અબડાસા), તા. 9 : આ ગામે ગઇકાલે મોડીસાંજે બહાર આવેલા સુથરીના જયેશ શિવજી રાજગોર (ઉ.વ.50)ની હત્યાના મામલામાં પોલીસે કોઠારાના ઇસ્માઇલ ઉમર સુમરાની ધરપકડ કરી હતી. પૈસાની લેતીદેતી બાબતની તકરારમાં પાઇપ ફટકારીને ખૂન કરાયાનું અને બનાવવાળી મૂળ જગ્યાએથી મૃતદેહને અન્યત્ર ખસેડાયો હોવાની વિગતો પણ બહાર આવી છે. કોઠારામાં શીતલા નાકા નજીક સ્મશાન પાસેથી ગત મોડીસાંજે મરનાર જયેશ રાજગોરનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તાબડતોબ પગલાં લઇને હાથવેંતમાં રહેલા આરોપી ઇસ્માઇલ સુમરાને દબોચી લીધો હતો.પોલીસે સત્તાવાર રીતે જાહેર કરેલી વિગતો તથા સુથરીના પોપટ શિવજી રાજગોરે લખાવેલી ફરિયાદ મુજબ મરનાર જયેશભાઇ સાથે આરોપી ઇસ્માઇલને પૈસાની લેતીદેતી મુદે માથાકૂટ થઇ હતી. જે વધી પડતા લોખંડનો પાઇપ માથામાં ફટકારી ગંભીર ઇજાઓ કરવા સાથે આરોપીએ હત્યાના કૃત્યને અંજામ આપ્યો હતો. વાસ્તવમાં ખૂન અન્ય જગ્યાએ થયું હતું અને બાદમાં આરોપીએ લાશને ઢસડીને સ્મશાન નજીક મૂકી દીધી હતી અને પુરાવાનો નાશ કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી. દરમ્યાન બનાવના પગલે નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક વી.એન. યાદવ સ્થાનિકે દોડી ગયા હતા. કોઠારા ફોજદાર જી.પી. જાડેજા કેસની તપાસ ચલાવી રહ્યા છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer