વાગડનાં ભીમાસરમાં આવેલી ઐતિહાસિક જગ્યા પાબુકરી

વાગડનાં ભીમાસરમાં આવેલી ઐતિહાસિક જગ્યા પાબુકરી
મહાદેવ બારડ-    રાપર તાલુકાનાં ભીમાસર ગામથી ઉત્તર દિશામાં ડુંગર આવેલા છે, જે ડુંગરાળ વિસ્તાર છેક હમીરપર સુધી ફેલાયેલો છે અને પૂર્વમાં છેક નાખતર સુધી તેમજ મોડા ગામ સુધી ફેલાયેલો છે! ભીમાસરથી પાંચ કિલોમીટરનાં અંતરે આવા ડુંગરોમાં પાબુદાદાનું મંદિર આવેલું છે, એટલે આ જગ્યાને અને આ વિસ્તારને પાબુકરી તરીકે ઓળખવામાં આવે છે! પાબુકરી એ ડુંગરોમાં ધારમાં આવેલી ઐતિહાસિક જગ્યા છે. હાલમાં નળિયાવાળું સરસ મંદિર આવેલું છે, જે એક ટેકરા ઉપર છે. આ મંદિર ધરતીકંપ પછી બનાવવામાં આવેલું છે. મંદિર પહેલાં અહીં આ જ જગ્યા ઉપર જૂનું પાબુદાદાનું મંદિર હતું, જે નાનું હતું અને નળિયાવાળું હતું. પાબુદાદાનું સ્થાનક ટેકરા ઉપર છે, એ જ જગ્યા ઉપર હાલમાં ધરતીકંપ પછી બનાવેલું છે અને તે મંદિરનાં નળિયાં અને વરાણમાંથી બાજુ એક ડેલી કરેલી છે અને હાલમાં પાંચ વર્ષ પહેલાં બાજુમાં પાકું મકાન બનાવ્યું છે. પૂજારીને રહેવા માટે અને આવનારા લોકો બેસી શકે અને આરામ કરી શકે તે માટે બનાવેલું છે તેમજ બાજુમાં એક તળાવ બનાવેલું છે અને મંદિરના પાછળના ભાગમાં એક પત્થરના ટેકરા ઉપર ત્રણ પાળિયા આવેલા છે અને તેની આસપાસ પત્થરનું ચણતર કરેલું હોય અને પહેલાંના સમયનો ઓટલો બનાવ્યો હોય એવું લાગે છે! ત્રણ પાળિયામાંથી પ્રથમ પાળિયામાં કંઈ લખેલું જોવા મળતું નથી અને બીજો એક પાળિયો પડેલો જોવા મળે છે, જ્યારે એક પાળિયો જાડાઈમાં મોટો છે, પરંતુ ખંડિત જોવા મળે છે અને આસપાસમાં પથ્થરો જોવા મળે છે અને ઓટલા જેવું દેખાય છે! અહીં આ પાળિયાના પાછળના ભાગે એક ધાર આવેલી છે, જે ધારમાં જૂના અવશેષો હોય એવું નજરે દેખાય છે. અહીં એક કોરા પત્થરોને ચણીને વેંડો બનાવેલો દેખાય છે, ક્યા સમયનો છે, કોણે બનાવ્યો છે તેની કોઈને ખબર નથી, પરતું અહીં પ્રાથમિક નજરે જોતાં એવું લાગે કે અહીં કોઈ પહેલાંના સમયમાં માલધારીઓની વસાહત રહેતી હશે. અહીંની એક કિલોમીટરની ધારમાં વસાહત હોય એવું લાગે છે, જ્યાં ત્યાં પત્થરો વેરવિખેર દેખાય છે તેના ઊપરથી કહી શકાય છે. નાનાથી કરીને મોટા વિશાળ પત્થરો આ એક કિ.મી.ની ધારમાં જોવા મળે છે! ક્યાંક પાળિયાનાં પથ્થર જેવા મોટા વિશાળ પથ્થરો જોવા મળે છે. અહીં આ ધારની પાછળ બાજુ એક તળાવ પણ આવેલું છે! અહીંથી મોતિયાર નજીક થાય છે!  મોતિયાર એ એક ઐતિહાસિક નગર છે અને અંગ્રેજોનો ટોપો મેપમાં અંગ્રેજોએ નકશામાં ` ળજ્ઞાશુંફિ મયતયાિયિંમ' (મોતિયાર ડેઝર્ટેડ) એવું લખેલું છે!અને અહીં મોતિયાર ડુંગરમાં મકાનોનાં અવશેષો જોવા મળે છે! તેવા જ અહીં મકાનનાં અવશેષો જોવા નથી મળતા, પણ એક વેન્ડો ગોળ જેવો જોવા મળે છે! બાકી વેરવિખેર પથ્થરો જોવા મળે છે અને આ મોતિયાર અહીંથી બે કિલોમીટરનાં અંતરે આવેલી છે, એટલે અહીં પણ કોઈ મોટી માલધારીઓની વસાહત રહેતી હશે અને મોતિયારથી પૂર્વમાં પણ એક ગામ હતું, જે કુંભારવાડા હતું તેમજ પાબુકરીથી પાંચ કિલોમીટરનાં અંતરે પૂર્વબાજુ સુરર્કોટડા ચાર હજાર વર્ષ જૂનું નગર આવેલું છે! એટલે પહેલાંના સમયમાં અહીં આવા ડુંગરની લાંબીધારમાં વસાહત રહેતી હશે એ ચોક્કસ કહી શકાય છે! કેમ કે જમીનથી 150 ફૂટ જેટલી ઊંચાઈ ઉપર લાંબીધાર આવેલી છે એટલે પહેલાંના સમયના લોકો કે જે પણ સંસ્કૃતિ હતી તે આવી ધાર ઉપર રહેતી હતી જેથી દૂરથી બધું આસપાસ જોઈ શકાય!પાબુકરી નામની જગ્યાએ પાબુદાદાનું સ્થાનક ક્યારથી છે કોઈને જાણ નથી, પણ એમ કહેવાય છે કે જ્યારે પાબુદાદા રાજસ્થાનથી આ બાજુ આવે છે, ત્યારે જ્યાં જ્યાં તેમણે વિસામા લીધા હતા, ત્યાં તેમનાં સ્થાનક બનાવેલાં છે, એટલે આ જગ્યા બહુ જ જૂની છે!આ જગ્યાનું સંચાલન ભીમાસર ડોટ શાખના રાઠોડ રાજપૂત કરે છે અને વર્ષોથી તેઓ અહીં આવે છે અને નાના-મોટા પ્રસંગે જમણવાર પણ કરે છે તેમજ લોડાણી શાખના રાજપૂત પણ અહીં દાદાને માને છે. અહીં ડોટ શાખના રાઠોડ રાજપૂત તેમના કુળદેવતા છે એટલે તેમનાં નાના-મોટા પ્રસંગે અહીં વાગડમાં શબ્દ છે, `કડાયું' એટલે કે જમણવાર કરે છે!પાબુકરી જગ્યાની જો પહેલાંના સમયની વાત કરીએ, તો આજે પણ ભિમાસર ગામનાં વડીલો પાબુકરી વિસ્તારમાં તેમના સમયમાં નાર નામનું પ્રાણી રહેતું હતું, જે બહુ જ ખતરનાક હતું, જે માલધારીઓનાં ઘેટાં-બકરાંનું મારણ કરતું હતું અને માલધારીઓને મોટું નુકસાન કરતું હતું અને આ વિસ્તાર પણ દુર્ગમ હોવાથી અને આસપાસમાં 10 કિલોમીટર સુધીમાં ડુંગર વિસ્તાર હોવાથી માલધારીઓ પણ અહીં પશુઓ લઈને ચરાવવા માટે આવતા હતા. માલધારીઓ કહેતા કે અમારો માલ ડુંગરમાં છે! એટલે ભીમાસર ગામમાં આ વિસ્તારનું નામ ડુંગર કહેવાય છે! એમ કહેવાય છે કે અહીં સાત નારી રહેતી હતી. સાત નારી એટલે નાર જે પ્રાણી આવે છે તેની માદા જે ભેગી સાત હોય અને ખેડૂતને બહુ જ હેરાન કરતી. કોઈ ખેડૂત બળદગાડું લઈને આવતા હોય તો બળદને આગળ ચાલવા જ ના દે. આસપાસ ચાલ્યા કરે, સામે આવીને ઊભી રહે અને પાછળથી બળદગાડાં ઉપર ચડવાનો પ્રયત્ન કરે અને બહુ જ હેરાન કરે અને જો કોઈ ખેડૂત ચાલીને આવતો હોય તો મારી નાખે એવી ખતરનાક હતી!ખેડૂત જો કોઈ વૃક્ષ ઉપર ચડી જાય, તો સાત નારી નીચે બેસે અને જેવી ભૂખી થાય એટલે એક જાય ને બીજી આવે પણ ત્યાંથી જાય નહીં. તે અહીં થોડે દૂર ખાખરાવાળો વોકળો આવેલો છે, જ્યાં મોટાં પ્રમાણમાં ખાખરા નામનાં વૃક્ષ થતાં હતાં અને ત્યાં વોકળામાં મોટાં પ્રમાણમાં નાર નામનાં પ્રાણી રહેતાં હતાં! પાબુદાદાની સામે આવેલા થોડે દૂર એક ખેતરનું નામ હાડકાંવાળું ખેતર તરીકે ઓળખાય છે. કેમ નામ પડયું એ કોઈ માહિતી મળતી નથી તેમજ અહીં બાજુમાં આવેલાં ખેતરમાં મોટાં પ્રમાણમાં ઢુંવા આવેલા છે. ઢુંવા એટલે કે મીઠા ઝારાનાં વૃક્ષ, જેને વાગડમાં ઢુંવા કહે છે, તે આજે પણ ઊભા છે, જે કાપી શકાતા નથી. તે ખેતરમાં મોટાં પ્રમાણમાં ઢુંવા ઊભા છે! અહીં આસપાસમાં ડુંગરોમાં ક્યાંક ક્યાંક ખેતર છે, તો એ ખેડૂતો અહીં ઘણી વાર સાત નારના લીધે પાબુદાદાનાં મંદિરમાં સંતાઈ ગયેલા છે તેવા દાખલા છે અને સાત નાર જાય પછી ઘરે જાય આવું અનેકવાર પહેલાંનાં ખેડૂતોને બનેલું છે, પરંતુ હાલમાં તો એ નાર નામનું પ્રાણી નામશેષ થઈ ગયું છે, એટલે ખેડૂતો અને માલધારીઓ હાશકારો અનુભવે છે, પણ પ્રાણીપ્રેમીઓને વાગડમાંથી નાર નામનું પ્રાણી નામશેષ થતાં દુ:ખ પણ છે!હાલમાં કદાચ આ પ્રાણી વિથરોઈયો બાદરગઢ અને નીલવો ડુંગર ત્યાં છે એવું લોકો કહે છે!વાગડમાં જે પહેલાં મોટાં પ્રમાણમાં હતું એ હવે નામશેષ થઈ ગયું છે અને થવાનાં પણ અનેક કારણો છે! પાબુકરી નામમાં જે પાબુદાદાનું નામ છે અને જ્યાં જ્યાં પાબુદાદાની જગ્યા હોય ત્યાં આમ આવી જગ્યાઓ ખૂબ જ જૂની હોય અને અહીં એક વસાહત હતી એમ પણ કહી શકાય કેમ કે પાબુદાદાની જ્યાં જગ્યા છે તે જગ્યાઓ સિવિલાઈઝેશન છે!આપણે વાત કરીએ પાબુ મઠની, જે સુવઈ પાસે આવેલો છે ત્યાં જૂનું નગર છે! અને તે જગ્યાનું ખોદકામ પણ થયું છે અને તે ચાર હજાર વર્ષ પહેલાં એક નગર હતું તેવું આર્કિયોલોજી વિભાગ કહે છે તેમ અહીં કોઈ નગર દટાયેલું નથી, પણ ધાર ઉપર વસેલું જોવા મળે છે, એટલે અહીં ખોદકામની કોઈ જરૂર નથી. અહીં ધાર ઉપર તેમની વસાહત હતી એવું નજરે જોઈ શકાય છે અને આ ધાર પણ અડધાથી એક કિલોમીટર લાંબી છે અને આખી ધારમાં પથ્થરના અવશેષો જોવા મળે છે, જે એક અભ્યાસ નો વિષય છે! આ ધારમાં એક જગ્યાએ એક પાળિયો ઊભો છે, જેમાં ત્રિશૂળનું નિશાન જોવા મળે છે! આમ, આવી ઐતિહાસિક જગ્યાઓનો વિકાસ થાય અને ઉજાગર થાય અને અનેક લોકો સુધી આ જગ્યા વિષે માહિતી પહોંચે અને લોકો અહીં દાદાનાં દર્શન કરવા આવે અને સાથે સાથે અહીં ધારમાં પડેલા પથ્થરો જુએ અને જાણકારો તેનો અભ્યાસ કરે, તો આ ભવિષ્યમાં બહુ જ મોટાં ધાર્મિકસ્થળની સાથે સાથે પર્યટનસ્થળ પણ બની શકે તેમ છે!  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer