ખારી-મીઠી જારમાં પીલુનો દુકાળ !

ખારી-મીઠી જારમાં પીલુનો દુકાળ !
ઉમર ખત્રી દ્વારા-  મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 9 : ઉનાળો પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે. વૈશાખી વાયરા પોતાના નિત્ય ક્રમ મુજબ વાઇ રહ્યા છે. સાથે પીલુનો પાક સાવ અદૃશ્ય મતલબ પીલુનો દુકાળ વર્તાઇ રહ્યો છે. ખારી-મીઠી જારમાં થતા મોતીના દાણા જેવા રંગ-બેરંગી પીલુ, પીલુડી હાલમાં ભલે ઘેઘૂર ઊભી છે પણ ન તેમાં પીલુના ફાલ છે કે ન તેને આરોગતા પક્ષીઓના કલશોર છે. આની અસર આગામી ચોમાસા પર પણ પડી શકે. કારણ કે અમુક વર્ષો પહેલાં પીલુનો પાક ન થતાં વરસાદ પણ નહિવત થયો હતો. પીલુના આગમન પૂર્વે એક કહેવત છે કે ફાગણે ફૂલે ચૈત્ર મે ચેતરાજે અને વૈશાખ મેં વિણાજે. આ વખતે વૈશાખ પૂરો થવાના આરે આવ્યો પણ આ પીલુનો ફાલ કોઇક જારમાં દેખાવા પૂરતો ફાલ્યો છે. ગત વર્ષે આ દિવસોમાં તો ખારી ત્યારબાદ મીઠી જારમાં પીલુના ઝુમખા પર ચકલી, બૂલબૂલ વગેરેનો કલશોર જોવા મળતો. ટહેલવા નીકળતો વર્ગ થોભી જતો હતો પણ આ વખતે એવું દૃશ્ય ક્યાંય જોવા નથી મળતું. એકલ-દોકલ જાર પર પીલુ દેખાયા તે પણ નહિવત પ્રમાણમાં. ટાઢું હવામાન અને લૂનું કારણ હોઇ શકે છે. આમ જોઇએ તો આ પીલુ જ્યારે પ્રથમ જારમાં ફાગણ મહિનામાં ફૂલ અને ચૈત્રમાં કાચો ફાલ તૈયાર થાય ત્યારે તેને પૂરતી ઠંડી જોઇએ પણ આ વખતે વાવાઝોડાના કારણે વાતાવરણ ટાઢોડું વધુ સમય રહ્યું જે કદાચ પીલુના કૂપણ (ફૂલ)ને માફક નહીં આવ્યું હોય અને જેવી લૂ આ પીલુને પાકવા જોઇએ તે પડી નહીં. વાવાઝોડા વખતે પવને લૂને ધારી એટલી તેજ આ પીલુને ન મળતાં સંભવત: આ ઠંડા હવામાન અને પીલુના પ્રમાણમાં લૂ નહીં લાગતાં આ વખતે પીલુ નહિવત પાક્યા હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે. પીલુ એ ચકલી, બૂલબૂલ તેમજ વૈયાનો ખાસ ખોરાક છે. વૈયાનું ઝુંડ એકસામટું જો જાર પર ત્રાટકે તો થોડીવારમાં વૈયા પીલુ સફાચટ કરી જાય છે. વૈયાઓના ટોળાં પીલુ ન હોવાને કારણે ન દેખાયાં. તો આ વખતે કચ્છીઓને પીલુનો સ્વાદ જ માણવા ન મળ્યો. આવું વર્ષો બાદ જોવા મળ્યું. શ્રમિક વર્ગ પીલુથી મહિનો દિવસ પીલુ વીણીને બજારમાં વેચીને પેટિયું રડતો તે પણ ક્યાં જોવા ન મળ્યું. નામ એક પણ આકાર વૃક્ષોના પાંદડાનું અલગ. આમ જોઇએ તો પીલુ બે જાર (વૃક્ષ)માં પાકે, એક મીઠી અને બીજી ખારી જાર. મીઠી જારના પાંદડા પહોળાઇમાં નાના અને લાંબા હોય તેમાં પાકતા ફાલમાં મીઠાશ હોય છે અને બીજી ખારી જારમાં પીલુ પાકે તેને મક કહેવાય. આમ આ ખારી જારમાં મીઠી મક હોય તેને ફક્ત પશુ-પક્ષીઓ આરોગે. જ્યારે મીઠી જારમાં થતા પીલુને માણસ પણ ખાય છે. કુદરતી સંકેતો કે પર્યાવરણના અનુમાનો પશુ-પક્ષીઓની ચાલ, પ્રાકૃતિક પરિસ્થિતિને અનુરૂપ વરસાદના વર્તારાથી લોકો અનુમાન લગાવે છે કે વરસાદ કેવો થશે. આ વરસાદના વર્તારાનો એક ભાગ પીલુનો પણ છે. જો પીલુનો પાક શ્રીકાર થાય તો વરસાદ પણ પુષ્કળ પ્રમાણમાં થાય એવા અનુમાનો જાણકારો આપે છે. વરસાદનો વર્તારો કચ્છ માટે મહત્ત્વનો છે. પર્યાવરણ અને કુદરતી બાબતો તો કુદરતના હાથની વાત છે, પણ આ વખતે  ઉનાળા દરમ્યાન વરસાદ પહેલાં દેખાતા કચ્છમાં સીધા વરસાદ સાથેના વર્તારાનો મુખ્ય ભાગ ભજવે છે તે પીલુ, ડોરા સાવ નજીવા પ્રમાણમાં પાક્યા છે, જે વરસાદને અસર કરશે  તેવા સવાલ પણ ઊઠી રહ્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer