રાજ્યમાં કાલથી વધુ છૂટછાટ; ધર્મસ્થળો ખૂલશે

અમદાવાદ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત 100 ટકા અનલોક તરફ ક્રમશ: આગેકૂચ કરી રહ્યું છે. ઘટતાં સંક્રમણ વચ્ચે રાજ્યમાં તારીખ 11 જૂન,'21ના સવારે 6 વાગ્યાથી કેટલાંક નિયંત્રણો હળવાં કરવામાં આવશે, જે 26 જૂન સુધી અમલી રહેશે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં કેટલાંક નિંયંત્રણો હળવાં કરવા કરેલા નિર્ણયો અનુસાર  ધંધા-રોજગાર, દુકાનો, વાણિજ્યિક સંકુલો હવે સાંજે છને બદલે સાત વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે. જો કે, રાત્રિ કફર્યૂ યથાવત્ રખાયો છે. રાજ્યનાં તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે, પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. એવી જ રીતે, રેસ્ટોરન્ટ અને હોટેલ આ સમયગાળા, એટલે કે 11 જૂન, 2021થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે. ટેક - અવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે. જો કે, રાત્રિ કર્ફ્યૂના સમયમાં કોઈ ફેરફાર નહીં. રાજ્યનાં 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ તારીખ 11 જૂન રાત્રે 9 થી 26 જૂન 2021ના સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ કરવાનો રહેશે. તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શાપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે, હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યપ્રધાને કર્યો છે. તો બીજી બાજુ, વાંચનાલય, લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ-બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે.રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ આઈ.ઈ.એલ.ટી. એસ. (ઈન્ગલીશ લેન્ગ્વેજ) ટીઓ.ઈ.એફ.એલ. વગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીનાં હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે. રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે, પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. શહેરી બસસેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60 ટકા પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમા, ઊર્જાપ્રધાન સૌરભભાઇ પટેલ, ગૃહરાજ્યપ્રધાન પ્રદીપાસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ કૈલાસનાથન,  ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત  વરિષ્ઠ સચિવો પણઉપસ્થિત રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer