પહેલા વરસાદમાં જ મુંબઇ પાણી પાણી

મુંબઈ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં બુધવારે ચોમાસાનું ધમાકેદાર રીતે આગમન થયું હતું. વહેલી સવારથી  જોરદાર ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને પહેલા જ વરસાદે શહેરનું જનજીવન ખોરવી નાખ્યું હતું. નીચાણવાળા અને વિસ્તારોમાં પાણી ભરાયાં હતા અને ટ્રેન સેવા પણ ખોરવાઈ હતી. મુંબઈમાં ચોમાસાના આગમન શુક્રવારે થવાનું હતું, પણ એનું બે દિવસ વહેલું આગમન થયું છે.ભારતીય વેધશાળાએ બુધવારે વરસાદની તીવ્રતાને જોતા મુંબઈ માટે ઓરેન્જમાંથી રેડ એલર્ટની જાહેરાત કરી હતી અને એવી ચેતવણી આપી છે કે અમુક ઠેકાણે અતિ ભારે વરસાદ પડી શકે છે. વેધશાળાએ આગામી ચાર દિવસ માટે મુંબઈ, થાણે પાલઘર અને રાયગઢ માટે 13 જુન સુધી ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે. 15 જુને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી  કરાઈ છે. બુધવારે મુંબઈમા અનેક ઠેકાણે પાણી ભરાતાં ઘણા વાહનચાલકોએ તેમના વાહનને રસ્તા પર વચ્ચોવચ ત્યજી દીધાં હતા. મિલન, ખાર, અંધેરી અને મલાડ સબવેમાં બે ફુટ જેટલા પાણી ભરાતાં પોલીસે આ ચારેય સબવે બંધ કરી દીધા હતા.પાટા પર પાણી ભરાઈ જતાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી થાણે અને વાશી સુધીની લોકલ સેવા અટકાવી દેવામાં આવી હતી. સાયન અને ચુનાભઠ્ઠી સ્ટેશન નજીક પાટા પર પાણી ભરાયા હતા.  બેસ્ટની અમુક રૂટની સેવા પણ બીજા રસ્તે વાળવામાં આવી હતી.  વેધશાળાએ કહ્યું હતું કે મંગળવારે રાત્રે 8.30થી બુધવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં સાંતાકૃઝમાં 220 મિલિમિટર (આશરે નવ ઈંચ સહેજ ઓછો) જ્યારે તળ મુંબઈમાં 45.6 મિમિ (બે ઈંચથી સહેજ ઓઠો) વરસાદ પડ્યો હતો. હિન્દમાતા વિસ્તારમાં તો બેથી ત્રણ ફુટ પાણી ભરાયા હતા. દહિસર ચેકનાક પાસે પણ પાણી ભરાયાં હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer