કોંગ્રેસનો હાથ છોડી જિતિનપ્રસાદ ભાજપમાં સામેલ

આનંદ કે. વ્યાસ તરફથી -  નવી દિલ્હી, તા. 9 : રાહુલ ગાંધીના નજીકના ગણાતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતિનપ્રસાદ આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસને મોટો ફટકો પડયો છે.  જિતિનપ્રસાદ ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસના અગ્રણી બ્રાહ્મણ નેતા છે. તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન બાદ તેમણે કૉંગ્રેસને રામ રામ કર્યા છે. વર્તમાનમાં તેઓ પંજાબમાં ચાલી રહેલા આંતરિક કલહનો નિવેડો લાવવાના પ્રયત્નો માટે  દિલ્હી કાર્યાલયમાં યોજાઈ  રહેલી બેઠકોમાં હાજરી આપી રહ્યા હતા. જિતિનપ્રસાદ પાર્ટીના બ્રાહ્મણ નેતાઓમાંથી એક છે અને ભાજપને આશા છે કે તેમના આવવાથી યુપીમાં બ્રાહ્મણ સમાજની નારાજગી દૂર થવામાં મદદ મળશે. રાજ્યમાંથી મળેલી માહિતી મુજબ ઠાકુર સમાજના યોગી આદિત્યનાથની મુખ્ય પ્રધાન પદે પસંદગી થવાથી બ્રાહ્મણ સમાજમાં નારાજગી ફેલાઈ છે.  જિતિનપ્રસાદે બ્રાહ્મણ સમાજને અવાજ આપવા માટે ગયા વર્ષના જુલાઈમાં બ્રાહ્મણ ચેતના પરિષદની સ્થાપના કરી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા બાદ જિતિનપ્રસાદે ભાજપના મુખ્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલની હાજરીમાં જણાવ્યું હતું કે ભાજપ જ એક માત્ર રાષ્ટ્રીય પક્ષ છે. બાકીના પક્ષો સ્થાનિક પક્ષો બની ગયા છે. વર્તમાનમાં દેશ સામે ઉપસ્થિત પડકારોનો સામનો ફક્ત ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે મને લાગ્યું હતું કે હું રાજકારણથી ઘેરાયેલી પાર્ટીમાં છું, હું લોકોની સેવા નથી કરી શકતો. તમે જે લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય તેમની મદદ ન કરી શકતા હોય તો પાર્ટીમાં રહેવાનો અર્થ શું ? જિતિનપ્રસાદ, ગયા વર્ષે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપમાં જોડાનારા રાહુલ ગાંધીના બીજા હાઈપ્રોફાઈલ ભૂતપૂર્વ સહયોગી છે. તેમના ગયા બાદ તરત એવી અટકળો ફેલાવા લાગી છે કે અન્ય એક `બળવાખોર', રાજસ્થાનના નેતા સચિન પાયલોટ પણ ભાજપમાં જઈ શકે છે.જિતિનપ્રસાદની કૉંગ્રેસ સાથેની નારાજગી અજાણી નથી. તેઓ `જી-23' પણ હિસ્સો હતા. જી-23 કૉંગ્રેસના 23 નેતાઓનું જૂથ હતું જેમણે પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીને વ્યાપક સુધારા, સામૂહિક નિર્ણય અને વિઝિબલ લીડરશિપ માટે પત્ર લખ્યો હતો. પાર્ટીએ કાર્યપ્રણાલીમાં સુધારો કરવાની વાત કરી હતી અને પેનલની નિમણૂંક કરી હતી. પરંતુ વાસ્તવમાં કોઇ ફેરફાર થયો નહીં. તેમના પિતા અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા જિતેન્દ્ર પ્રસાદે 1999માં સોનિયા ગાંધીના નેતૃત્વને પડકાર્યું હતું અને પાર્ટી અધ્યક્ષ પદ માટે તેમની સામે ઊભા રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer