ઉચાપતનો મામલો રફેદફે કરવાની કોશિશની કેરા ખોજા જમાતની ફરિયાદ

ભુજ, તા. 9 : અત્રેની ખોજા શિયા ઇસ્ના અશરી જમાતના જે તે સમયના હોદેદારો દ્વારા કરાયેલી રૂા. 2.24 કરોડની ઉચાપતના મામલામાં જવાબદારો સામે કાર્યવાહી કરવાના બદલે તેમને બચાવી લેવા માટેની કાર્યવાહી થઇ રહી હોવાની ફરિયાદ જમાત દ્વારા કરવામાં આવી છે. જમાતની વર્તમાન કમિટી પાસેથી બળજબરીથી કબ્જો લેવાની કોશિશ કરવામાં આવશે તો સમસ્ત જમાત ભૂખ હડતાળ ઉપર ઉતરશે તેવી તૈયારી બતાવાઇ છે. કેરા જમાતના સંખ્યાબંધ સભ્યોની સહી સાથે પોલીસદળના આઇ.જી. અને એસ.પી.ને આવેદનપત્ર આપીને આજે આ રજૂઆત કરવામાં આવી હતી. કિસ્સાના આરોપીઓને બચાવવા માટે એક જવાબદાર દ્વારા કાર્યવાહી થઇ રહી હોવાની ફરિયાદ કરી તેમની તપાસ કરવા તથા સમસ્ત કિસ્સાની સત્યતા બહાર લાવવાની માગણી કરાઇ હતી. જમાતની ઉચાપત મામલે તપાસ કરવાની ફરજ બને છે તેઓ જ જવાબદારોને બચાવવા માટે કોશિશ કરે તે વ્યાજબી ન હોવાનું જણાવી આવેદનપત્રમાં એવી પણ ફરિયાદ કરાઇ હતી કે જમાતના જવાબદારોને દબાવીને તેમની પાસેથી ચાર્જ લઇ લેવાની કોશિશ થઇ રહી છે. મામલો હાઇકોર્ટમાં પડતર હોવાનું પણ રજૂઆતમાં યાદ અપાવાયું હતું. સાથેસાથે જરૂર પડયે જમાત ભૂખ હડતાળ ઉપર ઉતરશે તેવી તૈયારી પણ બતાવાઇ હતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer