કંડલામાં વધુ એક તેલચોરીનો પ્રયાસ

ગાંધીધામ, તા. 9 : કંડલામાં આઈ.ઓ.સી.એલ. કંપનીની પાઈપ લાઈન પર પ્રેસર જાળવવા બનાવેલી ચેમ્બરની દિવાલ તોડી મિડલ વાલ્વ ખોલી ડીઝલ ચોરીનો પ્રયાસ કરાતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.કંડલામાં આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ કંપનીના સુરક્ષા અધિકારી નીતિન તુકારામ કુન્નરમારેએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કંપનીની ઓઈલ જેટી નંબર 6 તથા જેટી નંબર 2,3 તરફથી કપંનીના સ્ટોરેજ બાજુ આવતી પાઈપલાઈન પર પ્રેસર જાળવવા માટે ઈફકો કંપનીની દિવાલ પાસે વાલ્વ મુકી ત્યાં ચેમ્બર બનાવવામાં આવી છે. આ ચેમ્બરની આરેબાજુ બીજી દિવાલ પણ બનાવવામાં આવી છે. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત તા. 7/6ના સાંજના ભાગે ત્યાં ચોરીની કોશિશ કરાઈ હતી. તેલચોરોએ ચેમ્બરની ફરતે દિવાલ તોડી અંદર ઘુસી પ્રેસર જાળવવાનો મિડલ વાલ્વ ખોલી તેમાંથી ડીઝલ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગમે તે કારણે તેલચોરો સફળ ન થતાં નાસી ગયા હતા. આ તેલચોરો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિવિધ ઓઈલ કંપનીની વહન લાઈનો સાથે ચેડાં કરીને વારંવાર થઈ રહેલા તેલચોરીના બનાવો ડામવા સમગ્ર લાઈનો ઉપર પેટ્રોલિંગની માંગ તથા રજૂઆત થતી રહી છે. પરંતુ તે દિશામાં હજુ કોઈ ગંભીર પ્રયાસ થતા નથી તે ઉલ્લેખનીય છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer